આ ખાડી દેશે PoKને ભારતના અભિન્ન અંગ તરીકે સમર્થન આપ્યું,

UAEના ડેપ્યુટી PMએ નકશો જાહેર કર્યો, પાકિસ્તાન બેચેન
શારજાહઃ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર (POK)ને લઈને ફેલાવવામાં આવેલો પાકિસ્તાનનો દુષ્પ્રચાર સદંતર નિષ્ફળ ગયો છે. એક સમયે પાકિસ્તાનના સાથી બની રહેલા સંયુક્ત આરબ અમીરાતે પણ હવે સ્વીકાર્યું છે કે PoK ભારતનું અભિન્ન અંગ છે. UAE ના નાયબ વડા પ્રધાન સૈફ બિન ઝાયેદ અલ નાહ્યાને ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર પર એક વીડિયો શેર કર્યો છે.
આ વીડિયોમાં જમ્મુ અને કાશ્મીરના સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશને ભારતના ભાગ તરીકે બતાવવામાં આવ્યો છે. તેમાં PoK અને અક્સાઈ ચીનનો ભાગ પણ સામેલ છે. તેથી એવું માનવામાં આવે છે કે ઇસ્લામિક દેશો પણ હવે કાશ્મીર મુદ્દે સંપૂર્ણ રીતે ભારતની સાથે ઊભા છે. પાકિસ્તાન માટે આ એક મોટો ઝટકો હોવાનું કહેવાય છે.
UAE પહેલાથી જ કાશ્મીરમાં રોકાણ કરી રહ્યું છે. દુબઈ સ્થિત UAE રિયલ એસ્ટેટ ડેવલપર, Emaar, શ્રીનગરમાં 1 મિલિયન ચોરસ ફૂટના મેગા-મોલમાં રોકાણ કરનાર પ્રથમ વિદેશી કંપની બની છે. જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આ મોલનો શિલાન્યાસ કર્યો હતો. Emaar ગ્રૂપ મેગા-મોલ સ્થાપવા માટે રૂ.250 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે.
પાકિસ્તાન દાયકાઓથી કાશ્મીરને લઇને મુસ્લિમ દેશોમાં ગેરસમજ ફેલાવી રહ્યું છે અને અહીં આતંકવાદી પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. હાલમાં જ ભારતમાં યોજાયેલી જી-20 સમિટ દરમિયાન તેણે સભ્ય દેશોને પત્ર લખીને ભારત પર મનઘડત આરોપો લગાવ્યા હતા. પાકિસ્તાને આરોપ લગાવ્યો હતો કે ભારત કાશ્મીરમાં માનવાધિકારનું ઉલ્લંઘન કરી રહ્યું છે. આવી સ્થિતિમાં G20 સભ્ય દેશોની જવાબદારી છે કે તેઓ ભારતને આંતરરાષ્ટ્રીય માનવાધિકારોનું પાલન કરવા કહે.
પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં યોજાયેલી જી-20 બેઠક સામે પણ વાંધો ઉઠાવ્યો હતો અને તેને વિવાદિત ભાગ ગણાવ્યો હતો. જોકે, ભારતે એ વાંધાને ફગાવી દેતા કહ્યું હતું કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને અમારા દેશમાં અમે કોઇપણ જગ્યાએ કંઇ પણ કરવા સ્વતંત્ર છીએ. જોકે, પાકિસ્તાનના આરોપોની કોઈ દેશઓ પર અસર થઇ નહોતી અને તેમણે ખુશીથી જમ્મુ કાશ્મીરમાં યોજાયેલી જી-20 બેઠકમાં ભાગ લીધો હતો અને હરીફરીને ફોટા પણ પાડ્યા હતા અને સ્થાનિક લોકો સાથે વાત પણ કરી હતી.
પીઓકેના લોકોએ પાકિસ્તાનના શાસન સામે બળવો પોકાર્યો છે અને ભારત સાથે ભળવાની માગ પણ તેજ બનાવી છે, જેને કારણે પાકિસ્તાનના સત્તાધીશોના પેટમાં તેલ રેડાયું છે.