નશામાં ધૂત નબીરાઓએ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર SUV દોડાવતા અફડાતફડી

લખનઊઃ ભારતીય રેલવેમાં વધતા અકસ્માતોને કારણે રેલવે ચર્ચામાં છે ત્યારે તાજેતરમાં નશામાં ધૂત નબીરાઓએ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર એસયુવી હંકારીને રેલવે પ્રશાસનની કામગીરી અંગે બેદરકારી છતી કરનારો કિસ્સો બન્યો હતો. અહીંના રેલવે સ્ટેશન પર એક ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં મોડી રાતના ચારબાગ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર બે યુવકો એસયુવી (ટાટા સફારી) ચલાવતા રેલવે સુરક્ષા પ્રશાસને દોડતું કરી દીધું હતું.
આ પણ વાંચો: પુણેેની કાર દુર્ઘટના : નબીરા આટલા છાકટા કેમ થાય છે?
મળતી માહિતી મુજબ રાતના ૧૨ વાગ્યાની આસપાસ હિતેશ અને શિવાંશ નામના બે યુવકો ચારબાગ રેલવે સ્ટેશનની બહાર પાર્સલ લોડર રેમ્પ દ્વારા પ્લેટફોર્મ પર એક એસયુવી લઈને આવ્યા હતા અને પ્લેટફોર્મ પર પૂરપાટ વેગે એસયુવી દોડાવવાનું શરૂ કર્યું હતું. જેના કારણે પ્લેટફોર્મ પર હાજર પ્રવાસીઓમાં અફડાતફડીના માહોલનું નિર્માણ તયું હતું.
આ પણ વાંચો: Gandhinagar ગિફ્ટ સિટીમાં નબીરા બન્યા બેફામ, રીલ બનાવનારા યુવકોની કરી ધરપકડ…
આ મામલે આરપીએફના ઈન્સ્પેક્ટર રણજીત કુમારે જણાવ્યું કે બંને યુવકો નશાની હાલતમાં હતા. તેમના બ્લડ સેમ્પલને તપાસ માટે લખનઊની જિલ્લા હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે તેમ જ બંને આરોપીઓ સામે ગુનો નોંધી રેલવે કોર્ટના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં સુનાવણી બાદ હિતેશને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો જ્યારે તેની સાથે રહેલા શિવાંશને જામીન મળી ગયા હતા. આ કેસમાં ટાટા સફારીને જપ્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં વસ્ત્રાપુર લેક પાસે જાહેર માર્ગ પર નબીરાઓની દારૂની મહેફિલ
ઉલ્લેખનીય છે કે ચારબાગ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર હંમેશાં મુસાફરોની ભીડ રહે છે. આવી સ્થિતિમાં એસયુવી લઈને પ્લેટફોર્મ પર પહોંચવું અને પછી તેને ચલાવવું એ આરપીએફ અને જીઆરપીની બેદરકારીને છતી કરે છે.
આ ઘટનાએ રેલવે સ્ટેશનની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉભા કર્યા છે. સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નહોતી. જોકે ચારબાગ સ્ટેશન પર આ પહેલી ઘટના નથી. આ પહેલા એક મંત્રીના ડ્રાઈવરે કારને રેલવે કોર્ટ નજીકના એસ્કેલેટરના રેમ્પ પર ચઢાવી દીધી હતી.