આઈએસઆઈએસ મોડ્યુલનું આયોજન કરનાર બે પકડાયા
લખનઊ: અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)માં કથિત રીતે આઈએસઆઈએસ પ્રેરિત મોડ્યુલની યોજના ઘડનારા બે યુવાનોની અટક કરાઇ હોવાની માહિતી ઉત્તર પ્રદેશની આતંકવાદ વિરોધી ટુકડીએ આપી હતી.
એએમયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રયાગરાજના અમાસ અહેમદ ઉર્ફે ફરાઝ અહેમદની સોમવારે અલીગઢમાં એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે યુનિવર્સિટીમાં માસ્ટર્સનો પ્રોગ્રામ કરી રહેલા સંભલના અબ્દુલ સમદ મલિકે આત્મસમર્પણ કર્યું હતું.
એટીએસએ કહ્યું કે બનેએ આઈએસઆઈએસ આતંકવાદી જૂથની વિચારધારાથી પ્રેરિત શપથ લીધા હતા અને દેશવિરોધી કાવતરું ઘડી રહ્યા હતા. બંને પર પચીસ હજાર રૂપિયાનું ઈનામ હતું.
સોમવારે અહીં જારી કરાયેલા એક નિવેદનમાં, ડીજીપી (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે ગયા વર્ષે આ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી અને એટીએસને ષડયંત્રની માહિતી મળ્યા બાદ નવેમ્બરમાં સાત જણની ધરપકડ કરવામાં આવી હતી.
ગયા નવેમ્બરમાં એટીએસે આઈએસઆઈએસના અલીગઢ મોડ્યુલ સાથે સંકળાયેલા હોવાના આરોપમાં ત્રણ લોકોની ધરપકડ કરી હતી. તેઓ અબ્દુલ્લા અરસલાન, માઝ બિન તારિક અને વજીહુદ્દીન હતા. એના થોડા દિવસો પછી, એટીએસ દ્વારા રકીબ ઇમામ અંસારી, નાવેદ સિદ્દીકી, મોહમ્મદ નોમાન અને મોહમ્મદ નાઝીમની ધરપકડ કરવામાં આવી હતી.