જોખમી રીતે સ્કૂલવેનમાં બાળકોને મૂકતા પહેલા વિચાર્યા જેવું, રાજસ્થાનમાં બે વિદ્યાર્થિનીનાં મોત

કોટાઃ ગુજરાત સહિત દેશના મોટાભાગના શહેરોમાં વિદ્યાર્થીઓ રિક્ષા અથવા સ્કૂલવેનમાં બેસી સ્કૂલે જાય છે. મોટેભાગે રિક્ષા કે વેનમાં જતા વિદ્યાર્થીઓને જોશો તો રોજ મોતનો ખેલ ખેલતા હોય તેમ લાગે છે. જોખમી રીતે બાળકો જતા હોય છે અને ઘણીવાર આ વેન ટકરાવાની ઘટના બને છે. રાજસ્થાનમાં બનેલી આવી જ એક ઘટનામાં બે વિદ્યાર્થીએ જીવ ખોયા છે અને અન્ય છ વિદ્યાર્થીને ઈજા થઈ છે, સાથે વેનચાલક પણ ઘાયલ થયો હોવાના સમાચાર છે.
આ ઘટના કોટા જિલ્લાના ઈટાવા કસ્બાની છે. ઈજાગ્રસ્ત બાળકોને કોટા જિલ્લા મુખ્યાલયમાં રીફર કરવામાં આવ્યા છે.
આ અકસ્માત જોનારાઓના જણાવ્યા અનુસાર ગૈંતા ગામથી બાળકોને ભરીને સ્કૂલવેન ઈટાવા જઈ રહી હતી. દરમિયાન વેનનું ટાયર ફાટી ગયું અને તે જ સમયે સામેતી આવતી બલેરો ગાડી સાથે અથડાઈ હતી.
બન્ને ગાડીની અથડામણમાં બાળકો ઉછળ્યા અને રસ્તાની બાજુએ આવેલી ઝાડીમાં પડ્યા હતા. સ્થાનિકો તેમની મદદે દોડ્યા અને તેમને હૉસ્પિટલ પહોંચાડ્યા, પરંતુ બે બાળકે દમ તોડી દીધો. આ બે વિદ્યાર્થિનીનાં નામ પારૂલ આર્ય અને તનુ નાગર હોવાનું બહાર આવ્યું છે. તમામ બાળકોના પરિવારોને જાણ કરાઈ છે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.



