આસામના ગાયક ઝુબીન ગર્ગ મૃત્યુ કેસમાં વધુ બે લોકોની ધરપકડ, સાપરાધ મનુષ્યવધનો કેસ દાખલ | મુંબઈ સમાચાર
નેશનલ

આસામના ગાયક ઝુબીન ગર્ગ મૃત્યુ કેસમાં વધુ બે લોકોની ધરપકડ, સાપરાધ મનુષ્યવધનો કેસ દાખલ

ગુવાહાટી : આસામના ગાયક ઝુબીન ગર્ગના મૃત્યુ કેસમાં વધુ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ઝુબીન ગર્ગના બેન્ડના સભ્યો સંગીતકાર શેખર જ્યોતિ ગોસ્વામી અને ગાયિકા અમૃત પ્રભા મહંતની ધરપકડ કરી છે. આ પૂર્વે પોલીસે તેના મેનેજર અને સિંગાપુરના ઉત્તર પૂર્વ ભારત સાંસ્કૃતિક મહોત્સવના આયોજકની ધરપકડ કરી હતી. તેમની દિલ્હી અને ગુરુગ્રામમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

હત્યા, ગુનાહિત કાવતરું અને સાપરાધ મનુષ્યવધનો કેસ દાખલ

આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, ભારતીય ન્યાય સંહિતા હેઠળ ધરપકડ કરાયેલા લોકો પર હત્યા, ગુનાહિત કાવતરું અને સાપરાધ મનુષ્યવધનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે પોલીસનું કહેવું છે કે આ બંને 19 સપ્ટેમ્બરના રોજ નોર્થ ઇસ્ટ ઇન્ડિયા ફેસ્ટિવલ દરમિયાન સિંગાપોરમાં યાટ પાર્ટીમાં હાજર હતા. જયારે 52 વર્ષીય ઝુબીનને છેલ્લે તરવા જતા જોવામાં આવ્યો હતો. તેની બાદ તે શંકાસ્પદ હાલતમાં પાણી પર તરતા જોવા મળ્યા હતા.

પોલીસે આ કેસમાં BNSની કલમ 103 ઉમેરી

આ પૂર્વે પોલીસે ઝુબીન ગર્ગના મેનેજર સિદ્ધાર્થ શર્મા અને ફેસ્ટિવલના આયોજક શ્યામકાનુ મહંતની ધરપકડ કરી હતી. તેમને દિલ્હીમાં કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને બુધવારે ગુવાહાટી લાવવામાં આવ્યા હતા. પોલીસે હવે કેસમાં BNSની કલમ 103 ઉમેરી છે.

આ કેસમાં તલસ્પર્શી તપાસ શરુ

આ અંગે આસામ સીઆઈડીના સ્પેશિયલ ડીજીપી મુન્ના પ્રસાદ ગુપ્તાએ જણાવ્યું છે કે, આ કેસમાં તલસ્પર્શી તપાસ કરવામાં આવી રહી છે. આ કેસના સંદર્ભમાં સમગ્ર આસામમાં 60 થી વધુ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
જયારે ફેસ્ટિવલના આયોજક શ્યામકાનુ મહંત સિંગાપોરમાં નોર્થ ઈસ્ટ ઈન્ડિયા ફેસ્ટિવલના મુખ્ય આયોજક હતા. જ્યાં ગાયક પરફોર્મ કરવા માટે ગયા હતા.

સીઆઈડી દિલ્હીની સેન્ટ્રલ ફોરેન્સિક લેબોરેટરીના વિસેરા રિપોર્ટની રાહ જોઈ રહી છે. જે ગુવાહાટીમાં કરવામાં આવેલા બીજા પોસ્ટમોર્ટમના તારણોને સમર્થન આપશે. પ્રથમ ઓટોપ્સી સિંગાપોરમાં કરવામાં આવી હતી.

આ પણ વાંચો…ઝુબીન ગર્ગ મૃત્યુ કેસમાં મોટી કાર્યવાહી, મેનેજર સિદ્ધાર્થ શર્મા અને ફેસ્ટિવલ આયોજકની ધરપકડ

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button