વધુ બે સાંસદ સસ્પેન્ડ: આજે વિપક્ષનું જંતરમંતર પર વિરોધ પ્રદર્શન | મુંબઈ સમાચાર

વધુ બે સાંસદ સસ્પેન્ડ: આજે વિપક્ષનું જંતરમંતર પર વિરોધ પ્રદર્શન

નવી દિલ્હી : લોકસભામાં પોસ્ટર દાખવવા બદલ વિરોધ પક્ષના વધુ બે સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ મુકેલા પ્રસ્તાવને ગૃહે સ્વીકારતાં કેરળ કૉંગ્રેસના થોમસ ચાજિકાદાન અને સીપીઆઈ (એમ)ના એ. એમ આરિફ સસ્પેન્ડ થયા હતા. આને લીધે લોકસભામાં સસપેન્ડ થયેલા સભ્યોની સંખ્યા ૯૭ થઈ છે. વિરોધ પક્ષના કુલ ૧૪૩ સાંસદો સસપેન્ડ થયા છે.

દરમિયાન સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૧૪૦થી વધારે સાંસદોના સસ્પેન્શનની વિરૂદ્ધ ઈન્ડિયા બ્લોકનાં સાંસદો જંતરમંતર પર દેખાવો કરશે અને ‘મોક પાર્લામેન્ટ’નું આયોજન કરશે.

બુધવારે બપોરે કૉંગ્રસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની સંસદભવનમાં આવેલી ચેમ્બરમાં મળનારી બેઠકમાં કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરાશે. બધા જ સસ્પેન્ડ થયેલા સંસદસભ્યો આમાં જોડાશે. મોક પાર્લામેન્ટનું આયોજન કરાશે જેની મોક કાર્યવાહીના સ્પીકર રાષ્ટ્રીય જનતા દળના સાંસદ મનોજ ઝા હશેે. વિરોધ પક્ષના સભ્યો સંસદમાં સુરક્ષામાં થયેલી ચૂક અંગે ગૃહપ્રધાન અમિત શાહના નિવેદનની માગણી કરી રહ્યા છે. (એજન્સી)

Back to top button