Uttar Pradeshમાં ફરી બે બાળકોનો મોતઃ માસૂમ બાળકીઓનો અક્સમાત કે પછી હત્યા?
ઔરૈયા: Uttar Pradeshના બદાયુંમાં બે બાળકોની નિર્મમ હત્યાની ઘટના હજુ તાજી જ છે ત્યાં ફરી બે બાળકીના મોતની ઘટના બહાર આવી છે. અહીંના ઔરૈયામાં તળાવમાંથી બે બાળકીના મૃતદેહ મળ્યા છે.
ઉત્તર પ્રદેશના ઔરૈયામાં બે બાળકીઓના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. છોકરીઓની ઉંમર 9 વર્ષ અને 10 વર્ષ છે અને તેઓ ત્રીજા અને ચોથા ધોરણની વિદ્યાર્થીનીઓ હતી. પરિવાર આ ઘટના બાદ શોકમાં સરી પડ્યો છે. બાળકીઓ સ્કૂલેથી ઘરે આવ્યા બાદ રમવા માટે બહાર ગઈ હતી. તે પાછી ન ફરતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી, પણ બાળકીઓનો પત્તો ન મળતા પોલીસે ગુનો નોંધી બાળકીઓની શોધખોળ શરૂ કરી હતી. જો કે પોલીસને પણ ભાળ મળી ન હતી. બીજા દિવસે શાળાની પાછળ આવેલા તળાવ પાસેના ખાડામાંથી છોકરીઓની લાશ મળી આવી હતી. પોલીસને માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચી લાશને બહાર કાઢી, પંચનામું કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી.
આ ઘટના ફાફુંડ પોલીસ સ્ટેશન વિસ્તારના દૌલતપુર ગામમાં બની હતી. પોલીસે જણાવ્યું કે, ધોરણ 3 અને 4માં અભ્યાસ કરતી પાયલ અને મીનાક્ષીના મૃતદેહો મળ્યા હતા.
પોલીસ અધિક્ષક ચારુ નિગમે કહ્યું કે યુવતીઓના મૃતદેહનું પોસ્ટમોર્ટમ પેનલ દ્વારા કરવામાં આવશે. આ પછી જે પણ માહિતી સામે આવશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. શરીર પર કોઈપણ પ્રકારની ઈજાના નિશાન દેખાતા ન હતા. છોકરીઓએ એ જ કપડાં પહેર્યા હતા જે પહેરીને તેઓ ઘરની બહાર નીકળી હતી. તેથી પ્રાથમિક દૃષ્ટિએ યુવતીઓનું પાણીમાં ડૂબી જવાથી અકસ્માતે મોત થયાની શક્યતા પોલીસ વ્યક્ત કરી રહી છે.