શોરઃ ડીજેના ઘોંઘાટે લીધો બે મહિનાની બાળકીનો જીવઃ પિતાએ કરી ફરિયાદ

રાંચીઃ માત્ર તહેવારો સમયે જ નહીં કોઈપણ પ્રકારની નાની શોભાયાત્રા કે લગ્નપ્રસંગોમાં ડીજે સાઉન્જ સિસ્ટમ જાણે ફરજિયાત હોય તેવો માહોલ છે અને રોજ કોઈને કોઈ ગલી મહોલ્લામાં ડીજે પર નાચતા લોકો જોવા મળે છે, પરંતુ આ ઘોંઘાટ અને તેનાથી થતા પ્રદૂષણનો આપણે અને મૂંગા પશુઓ રોજ ભોગ બનીએ છીએ. આ વાતની ગંભીરતા સમજાવતો એક ખૂબ જ હૃદયદ્રાવક કિસ્સો રાંચીમાં બન્યો છે, જેમાં એક બે મહિનાની માસૂમ બાળકીએ જીવ ગુમાવવો પડ્યો છે.
રાંચીના ચાન્હો નામના ગામની આ ઘટના છે. અહીં બે મહિનાની બાળકી સોનાક્ષી કુમારીનો જીવ ગયો. બાળકીનાં પિતાએ ચાન્હો પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાવી છે તે અનુસાર વિશ્વકર્મા પૂજા દરમિયાન 17 સપ્ટેમ્બરથી સતત ઘરની પાસે ડીજે વાગતું હતુ અને ઘોંઘાટ રહેતો હતો. આને લીધે બાળકી સતત રડ્યા કરતી હતી અને ઘોંઘાટથી તે ડરી ગઈ હતી અને ઊંઘી પણ શકતી ન હતી.
બાળકીના પિતા બંધન લોહરાએ કરેલી ફરિયાદ પ્રમાણે સતત બે દિવસ બાળકી રડતા તેમણ આયોજકોને અપીલ પણ કરી હતી કે ડીજેનો અવાજ ધીમો કરવામાં આવે, પરંતુ તેમની વાત કોઈએ માની નહીં. પરિવારનું કહેવાનું છે કે ડીજેના સતત ઘોંઘાટથી બાળકી અસ્વસ્થ થઈ જતી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર બાળકી સતત રડતા અને અસ્વસ્થ રહેતા તેને હાર્ટએટેક આવ્યું અને તે મૃત્યુ પામી હતી. આ ઘટના બાદ લોકોમાં ભારે ગુસ્સો છે અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હોવા છતાં પણ નિયમોનું પાલન કરવામાં ન આવતું હોવાથી લોકો નારાજ છે.
આપણ વાંચો: ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવોએ યુએન મહાસભામાં ઓમ શાંતિ ઓમ સાથે ભાષણનું સમાપન કર્યું