જયપુરમાં ઓક્સિજન સિલિન્ડર ફાટતા બેનાં મોત, હવામાં ઉડેલા લોખંડના ટુકડાઓ ઘરોમાં ઘુસ્યા…

જયપુરઃ રાજસ્થાનના જયપુરમાં આવેલી એક ફેક્ટરીમાં ઓક્સિજન સિલિન્ડર ફાટતા ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. ગેસ ભરવાની પ્રક્રિયા દરમિયાન થયેલા આ બ્લાસ્ટમાં બે કામદારોના કરૂણ મોત નિપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો અને આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત રાત્રે આશરે 7:50 વાગ્યે ઓક્સિજન બોટલિંગ પ્લાન્ટમાં થયો હતો. એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. હાલ એફએસએલ (FSL) ની ટીમો દ્વારા વિસ્ફોટના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ દુર્ઘટનાને કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને ભય જોવા મળી રહ્યો છે. પ્રચંડ ધડાકાને લીધે સિલિન્ડર અને લોખંડના ટુકડાઓ હવામાં ઉડીને આસપાસના મકાનોમાં પડ્યા હતા, જેનાથી બારીઓના કાચ તૂટી ગયા હતા અને રહેણાંક મકાનોને નુકસાન થયું હતું. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ વિસ્ફોટ જીવલેણ સાબિત થઈ શક્યો હોત.



