મધ્ય પ્રદેશમાં શંકાસ્પદ ઓરી-ગોવરુંને કારણે બે બાળકનાં મોત
મધ્ય પ્રદેશ: મધ્ય પ્રદેશના મલ્હારમાં શંકાસ્પદ ઓરી-ગોવરુંને કારણે બે બાળકનાં મોત થયાં હોવા ઉપરાંત 17 બાળકને ચેપ લાગતા આસપાસના આઠ ગામડાંની શાળાઓ બંધ રાખવાની જિલ્લા વહીવટીતંત્રને ફરજ પડી હોવાનું અધિકારીઓએ સોમવારે કહ્યું હતું. બીમારી વધુ ન ફેલાય તે માટે તકેદારીના ભાગરૂપ મૅડિકલ ટીમને ગોઠવી દેવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું. ચીફ મૅડિકલ ઍન્ડ
હૅલ્થ ઑફિસરના જણાવ્યા અનુસાર ઓરીને કારણે 14 અને 16 ફેબ્રુઆરીએ એક એક બાળકનું મોત થયું હતું અને આઠ ગામડાંમાં 17 બાળકને ચેપ લાગ્યો હોવાનું જણાઈ આવ્યું હતું.
ચેપ લાગેલા બાળકોમાંથી
સાતને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ બાળકોના તબીબી રિપોર્ટને પગલે કલેક્ટરે અસરગ્રસ્ત આઠ ગામડાંસ્થિત તમામ સરકારી અને ખાનગી શાળાઓ સોમવારેથી ત્રણ દિવસ બંધ રાખવાનો અને આસપાસના પાંચ કિ.મી.ના વિસ્તારમાં આવેલા ગામડાંઓમાં સર્વે કરવાનો આદેશ આપ્યો હતો.
અસરગ્રસ્ત વિસ્તારમાં બાળકોના મેળાવડા પર પણ પ્રતિબંધ મૂકવાનો તેમણે આદેશ આપ્યો હતો.
અસરગ્રસ્ત બાળકોના નમૂના લઈ ભોપાલસ્થિત એઈમ્સ ખાતે ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા હતા.
વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઈઝેશન (વિશ્વ આરોગ્ય સંસ્થા)ની ટીમ પણ અસરગ્રસ્ત ગામડાંઓની મુલાકાત લે તેવી શક્યતા હોવાનું તેમણે કહ્યું હતું. (એજન્સી)