બિહારમાં ડૂબી જવાથી બાવીસનાં મોત
પટણા: બિહારમાં ૨૪ કલાકમાં નદી અને તળાવમાં ડૂબી જવાની અલગ અલગ ઘટનામાં બાવીસ જણનું મોત થયાં હોવાનું અધિકારીઓએ રવિવારે કહ્યું હતું. મૃત્યુ પામનારાંઓમાંથી મોટાભાગનાં જીવિતપુત્રિકા તહેવાર દરમિયાન પાણીમાં નહાવા પડ્યા હતા.
આ તહેવારમાં મહિલાઓ તેમનાં બાળકોનાં સારા જીવન અને તંદુરસ્ત આરોગ્ય માટે ઉપવાસ રાખે છે. મુખ્ય પ્રધાન નીતીશકુમારે ઘટના અંગે શોક દર્શીવી મૃતકોના પરિવારજનો પરત્વે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી અને પ્રત્યેક મૃતકના પરિવારને ચાર લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી.
૨૪ કલાકમાં ડૂબી જવાને કારણે ભોગલપુરમાં પાંચ, જેહાનાબાદમાં ચાર, પટણા અને રોહતાસ પ્રત્યેકમાં ત્રણ, દરભંગા અને નવાડા પ્રત્યેકમાં બે તેમ જ કાઈમૂર, માધેપૂરા અને ઔરંગાબાદ પ્રત્યેકમાં એક જણનું મોત થયું હોવાનું તેમણે કહ્યું હતું. ભોજપુરમાં શનિવારે સોને નદીના ભાહિયારા ઘાટ નજીક ડૂબી જવાને કારણે ૧૫થી ૨૦ વર્ષની વયજૂથની પાંચ છોકરીઓનું મોત થયું હતું.
સેલ્ફી લેતી વખતે પાણીના ભારે પ્રવાહમાં એક છોકરી તણાઈ જતાં તેને બચાવવા ગયેલી અન્ય ચાર છોકરીનું પણ મોત થયું હતું. (એજન્સી)