દાળના ભાવ સાંભળી જીભમાં સ્વાદ નહીં આગ લાગે તેવી સ્થિતિઃ જાણો શું છે કારણો
અમદાવાદઃ ચૂંટણીનો માહોલ જામ્યો છે અને તમામ રાજનૈતિક પાર્ટી પોતપોતાના મતદારોને રીઝવવાની કોશિશ કરી રહી છે. સત્તાપક્ષ પોતાની સિદ્ધિઓ જણાવે અને વિપક્ષ તેમની ટીકા કરે, પણ આ ચૂંટણીમાં એક મુદ્દો ગાયબ છે જે સામાન્ય જનતાને સૌથી પરેશાન કરી રહ્યો છે અને તે છે મોંઘવારી. ધીમે ધીમે ડંખ મારી રહી છે. ખાસ કરીને રોજબરોજ વપરાતી ખાદ્ય વસ્તુઓમાં નડતી મોંઘવારી મધ્યમવર્ગ અને ગરીબવર્ગની કમર તોડી રહી છે. દાળની જ વાત કરીએ તો દાળના ભાવ આસમાને ગયા છે.
સૌથી વધુ વપરાતી એવી તુવેરદાળની વાત કરીએ તો સારી ક્વોલિટીની દાળ કિલોદીઠ રૂ. 170છી 180ના ભાવે મળે છે. તુવેરની દાળ સિવાય અન્ય દાળના પણ એવા જ ભાવ છે. જેમકે અળદની દાળ રૂ. 120થી 130 સુધી મળે છે. મસૂરની દાળ રૂ. 100થી રૂ. 110ના ભાવે, તો ચણાદાળ રૂ. 90થી 100 રૂપિયે કિલોના ભાવે મળે છે.
કોઈપણ વસ્તુની માગ હોય અને પુરવઠો ન હોય ત્યારે જ તેનો બાવ વધતો હોય છે. જેટલી ખપત તુવેરદાળની છે તેના પ્રમાણમાં પ્રોડક્શન ઓછું થયું છે. મે મહિનામાં હજુ ભાવ વધવાની સંભાવના છે. કિલોએ ત્રણથી પાંચ રૂપિયા છેલ્લા દસેક દિવસમાં જ વધી ગયા છે. બજારમાં માલ જ ન હોવાથી ભાવ વધતો જાય છે તેમ વેપારીનું કહેવાનું છે.
દાળના ભાવ વધતાની સાથે જ હોટેલ અને રેસ્ટોરાંમાં પણ ભાવ વધવા માંડયા છે. દક્ષિણથી માંડીને ગુજરાતી થાળીઓમાં કે ઘણી વાનગીમાં દાળનો ઉપયોગ થાય છે.
નિષ્ણાતોનું માનીએ તો દક્ષિણમાં દાળનું પ્રોડકશન ઓછું થયું છે તેથી જૂન મહિના સુધી આ સ્થિતિ રહેશે. પહાડી વિસ્તારમાંથી નવા પાકની આવક બાદ થોડી રાહતની શક્યતા છે. બીજી બાજુ ઈ-કૉમર્સ પ્લેટફોર્મ પર તુવેરની દાળનો ભાવ રૂ. 200 જેટલો છે. અમુક મોટી બ્રાન્ડ રૂ. 250 પણ કિલોનો ભાવ લે છે.
સરકારે ભાવને અંકુશમાં લેવાની કોશિશ કરી છે, પરંતુ સતત વધતા ભાવ આમ જનતાનું પેટ ખાલી રાખે છે. દાળ પ્રોટિનનો મુખ્ય સ્ત્રોત છે અને દરેક ઘરમાં બનતી વસ્તુ છે, પરંતુ ઘણા પરિવારો હવે દાળના પણ વિકલ્પ શોધી રહ્યા છે. ઉનાળામાં શાકભાજી ઓછા મળે અને મોંઘા પણ હોય છે ત્યારે દાળના ભાવ પણ અસહ્ય બની જતા બે ટંકનો રોટલો પણ ગજ્જા બહારનો બની ગયો છે.