ઓપરેશન જિંદગીઃ મજૂરોને બચાવવા માટે ઈન્ડિયન આર્મી જોડાઈ
મેન્યુઅલ ડ્રિલિંગ સાથે વર્ટિકલ ડ્રિલિંગનો પણ લેવામાં આવ્યો આશરો
નવી દિલ્હીઃ ઉત્તરાખંડના ઉત્તરકાશીની સિલ્કયારા ટનલમાં ફસાયેલા 41 મજૂરને સુરક્ષિત બહાર કાઢવાના અનેક પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. છેલ્લા 14 દિવસોથી ફસાયેલા મજૂરની હાલત બગડી રહી છે સાથે જ તેમનો મનોબળ સમય પસાર થતાં તૂટી રહ્યો છે. હવે ફસાયેલા મજૂરોને બચાવવા માટે ભારતીય સેના પણ હવે આ ઓપરેશનમાં જોડાઈ છે.
ગયા શુક્રવારે ટનલના કાટમાળમાં ડ્રિલ કરવા માટે મંગાવેલી ઓગર મશીન પણ બંધ પડ્યા પછી મેન્યુયલ ડ્રિલિંગ એટ્લે કે હાથ વડે ડ્રિલ કરી મજૂરોને બચાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદેશથી આવેલા રેસક્યુ ટીમના નિષ્ણાંતે જણાવ્યું હતું કે આગામી મહિનામાં નાતાલ સુધી આ મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી શકે છે. જોકે, મેન્યુયલ ડ્રિલિંગની સાથે સાથે ટનલની ઉપરના ભાગમાં વર્ટિકલ ડ્રિલિંગ કરીને પણ મજૂરોને બહાર કાઢવાનો પ્રયત્ન ચાલુ છે.
વિદેશમાથી મંગાવવામાં આવેલી ઓગર મશીનની બ્લેડ ટનલના કાટમાળમાં ફસાતા તેમાં ખરાબી આવી હતી જેથી શુક્રવારે સંપૂર્ણ દિવસ રેસક્યું મિશનને બંધ રાખવામા આવ્યું હતું. ઓગર અને બાકીની બીજી ભારે મશીનોમાં વારંવાર ખરાબી આવતા રેકયું મિશનના પ્લાનમાં અનેક વખત બદલ કરવામાં આવ્યા છે, જેથી વધુ સમય લાગી રહ્યો છે. જોકે, તેમને નાતાલ સુધી સુરક્ષિત બહાર લાવવામાં આવશે એવો અમને વિશ્વાસ છે, એવો નિષ્ણાતે દાવો કર્યો હતો.
મજૂરોને બહાર કાઢવા માટે ટનલના કાટમાળમાં 10 અથવા 12 મીટરના ભાગમાં હાથ વડે ડ્ર્રિલિંગ કરવામાં આવશે. સાથે જ વર્ટિકલ ડ્રિલિંગ માટે ટનલના ઉપરના ભાગમાં 86 મીટર નીચે સુધી ડ્રિલ કરવામાં આવશે. દરમિયાન ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કરસિંહ ધામીએ કહ્યું હતું કે ડ્રિલિંગ કરવા માટે મોટા મશીન લાવવામાં આવી છે. આ ભારે મશીનોને ટનલ સુધી પહોંચાડવા માટે લગભગ દોઢ કિલોમીટર લાંબો રસ્તો પણ બનાવવામાં આવ્યો છે. મને આશા છે કે આગામી 24થી 36 કલાકમાં મેન્યુયલ ડ્રિલ શરૂ થઈ જશે.