ટનલ દુર્ઘટના: ૩૧ મીટર ઊભું બોરિંગ કરાયું
ઉત્તરકાશી: ઉત્તરકાશીમાં ટનલ દુર્ઘટનામાં છેલ્લાં ૧૫ દિવસથી ફસાયેલા ૪૧ શ્રમિકોને બહાર કાઢવા સિલ્કયારા ટનલમાં સોમવારે ઊપરથી ૩૧ મીટર ઊભું બોરિંગ કરવામાં આવ્યું હતું.
બીજીતરફ કાટમાળમાંથી માણસોની મદદથી આડું ડ્રિલિંગ કરવા પણ ખાણીયાઓની ટુકડી આવી પહોંચી હતી.
હાલને તબક્કે મશીનની મદદથી ઊભું ડ્રિલિંગ તેમ જ ખાણીયાઓની મદદથી આડું ડ્રિલિંગ એમ બે રીતે કામ કરવામાં આવી રહ્યું છે. અન્ય વિકલ્પ તરીકે ટનલના બારકોટ છેડેથી આડા ડ્રિલિંગનું કામ પણ ચાલી રહ્યું છે. ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવા કુલ ૮૬ મીટર જેટલું ઊભું ડ્રિલિંગ કરવું પડશે.
ફસાયેલા મજૂરો સુધી પહોંચવા રવિવારે બીજા વિકલ્પ તરીકે ટનલની ટોચ પરથી ઊભું ડ્રિલિંગ શરૂ કરવામાં આવ્યું હતું. મજૂરોને બહાર કાઢવા ૧.૨ મીટરનો વ્યાસ ધરાવતા પાઈપ ઊભા નાખવામાં આવશે. બૉર્ડર રોડ ઑર્ગેનાઈઝેશન (બીઆરઓ) સાથે અગાઉ સંકળાયેલા સેનાના ભૂતપૂર્વ એન્જિનિયર ઈન ચીફ લે. જનરલ હરપાલસિંહએ પત્રકારોને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે ટનલમાં ૩૧ મીટર જેટલું ઊભું ડ્રિલિંગ કરવામાં આવ્યું છે. કોઈપણ પ્રકારનો અવરોધ નડે છે કે કેમ તેની ખાતરી કરવા અગાઉ ૨૦૦ મી.મી. વ્યાસ ધરાવતો પાઈપ ટનલના ઊપરના ભાગમાંથી ઊભો ઉતારવામાં આવ્યો હતો અને તે ૭૦ મીટર સુધી પહોંચ્યો હતો. ૮૦૦ મી.મી. વ્યાસ ધરાવતો પાઈપ તૈયાર કરવામાં આવ્યો છે અને તેને અમે ધીરે ધીરે નીચે ઉતારીશું અને જો કોઈ અવરોધ નહીં નડે તો બાકીના ૧૦ મીટરનું ડ્રિલિંગ ૨૪થી ૩૬ કલાકમાં પૂરું કરી દેવાશે, એમ તેમણે કહ્યું હતું. (એજન્સી)