નેશનલ

ઉત્તર કાશીમાં બોગદું તૂટ્યું: ફસાયેલા ૪૦ કામદારોેને ખાદ્યપદાર્થ, પાણી પૂરા પડાયા

નવી દિલ્હી: ઉત્તર કાશીમાં બ્રહ્માખલ-યમનોત્રી નેશનલ હાઈવે પર નિર્માણાધિન બોગદું રવિવારે સવારે તૂટી પડતાં ૪૦ કામદાર તેમાં ફસાયા હોવાનાં અહેવાલ છે. આ બોગદું ચારધામ ઑલ વૅધર પ્રોજેક્ટનો હિસ્સો છે. દરમિયાન, મુખ્ય પ્રધાન પુષ્કર ધામી ઘટનાસ્થળે પહોંચી ગયા હોવાનું અધિકારીઓએ કહ્યું હતું.
ફસાયેલા કામદારો બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, પ. બંગાળ, ઓડિશા, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના રહેવાસી છે.
ફસાયેલા કામદારોને બહાર કાઢવા નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફૉર્સ (એનડીઆરએફ), સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફૉર્સ (એસડીઆરએફ), બૉર્ડર રોડ ઑર્ગેનાઈઝેશન (બીઆરઓ)ની ટુકડીને કામ પર લગાડવામાં આવી હતી. પાણીની પાઈપલાઈન મારફતે ફસાયેલા કામદારોને ઑક્સિજન પહોંચાડવામાં આવ્યો હોવાને કારણે તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે તેઓ આશાવાદી છે.
રાહત અને બચાવકર્તાઓની ટુકડી કામદારોને બચાવવા કામ કરી રહી છે અને ફસાયેેલા કામદારોનો સંપર્ક કરવામાં તેમ જ તેમને ખાદ્યપદાર્થો અને પાણી પહોંચાડવામાં સફળતા મળી હોવાનું સોમવારે તેમણે કહ્યું હતું.
ફસાયેલા કામદારો સલામત છે અને તેમણે ખાદ્યપદાર્થો તેમ જ પાણીની માગણી કરી હતી જે તેમને પૂરા પાડવામાં આવ્યા હતા, એમ સિલ્કયારા પોલીસ કંટ્રોલરૂમે કહ્યું હતું. વૉકીટૉકી મારફતે આ કામદારોનો સંપર્ક કરવામાં સફળતા મળી હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે કમ્પ્રેશરની મદદથી આ કામદારોને ખાદ્યપદાર્થો અને પાણી પૂરા પાડવામાં આવ્યા હતા. ફસાયેલા મજૂરોને બહાર કાઢવા કાટમાળ ખસેડવામાં આવી રહ્યો છે, એમ ડિસ્ટ્રક્ટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટરે કહ્યું હતું. દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન પુષ્કર ધામી સાથે રવિવારે વાતચીત કરી હતી અને રાહત તેમ જ બચાવ કામગીરી અંગે તેમને પૂછ્યું હતું. (એજન્સી) ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button