ઈન્ટરવલનેશનલ

ટ્રમ્પકાર્ડ કેમ ના ચાલ્યુું!

રીંછડાને રાજી કરતાં અન્ય પરિબળો ક્યાં છે?

કવર સ્ટોરી -નિલેશ વાઘેલા

લાંબા સમયથી અનિશ્ચિત ચાલમાં અથડાઇ રહેલા શેરબજારને અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી પરિણામોની પ્રતીક્ષા હતી અને મોટાભાગના લોકો એવી આશા સેવી રહ્યા હતા કે જો ટ્રમ્પની જીત થશે તો સ્થાનિક બજારમાં તેજીનું તોફાન ફરી શરૂ થઇ જશે! જોકે, તેજીવાળાનાં આવાં સપનાં સાકાર થતાવેંત રોળાઇ ગયા અને વાસ્તવમાં ‘ટ્રમ્પ કાર્ડ’ ફેઇલ થઇ ગયું! ચાલો જોઇએ, આવું આખરે કેમ થયું અને બજાર સામે ચીની ડ્રેગન ઉપરાંત અન્ય ક્યા કયા પડકારો છે? અમેરિકાની ચૂંટણીમાં ટ્રમ્પના વિજયનો ઉન્માદ, આ લખનારે અગાઉ અહીં વ્યક્ત કરેલી ધારણાં અનુસાર જ એક દિવસમાં ઓસરી જતાં ભારતીય બજારમાં એકતરફ લેવાલી થંભી ગઇ હતી અને બીજી તરફ કોર્પોરેટ સેકટરની નબળી કામગીરી ઉપરાંત એફઆઇઆઇની વેચવાલી જારી રહી હોવાથી સેન્ટિમેન્ટને ફટકો લાગ્યો છે. પાક્કું અઠવાડિયું થયું હોવા છતાં બજાર ફરી સંતુલનમાં આવી શક્યું નથી અને આગામી ટ્રેન્ડ અનિશ્ર્ચિત જ જણાઇ રહ્યો છે.

Trumpcard did not work

અમેરિકામાં ટ્રમ્પના વિજયના ઉન્માદમાં પાછલા બુધવારે છ નવેમ્બરેે, ૧૦૦૦ પોઇન્ટના ઉછાળા બાદ ઉન્માદ શમી જતાં ગુરુવારે શેરબજાર ઝડપી ગતિએ ૯૦૦ પોઇન્ટ નીચે ખાબકતા બજારના વિશ્ર્લેષકોને પણ આશ્ર્ચયર્ર્ થયું હતું, કારણ કે ટ્રમ્પ ઉન્માદ ગણતરીના કલાકોમાં ઓગળી જશે એવી કલ્પના નહોતી. યુએસ પ્રમુખપદની રેસમાં રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ બુધવારના સત્રમાં તાત્કાલિક સેન્ટિમેન્ટલ અસરને કારણે જોરદાર ઉછાળો નોંધાવ્યા બાદ ગુરુવારે બેન્ચમાર્ક ઇક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી રેડ ઝોનમાં સરકી ગયા હતા અને હજુ પણ બજાર સ્પષ્ટ ટ્રેન્ડ વગર નકારાત્મક ઝોંક સાથે ખોડંગાતી ચાલ દેખાડી રહ્યું છે. બજારની નજર જોકે, હજુ પણ અમેરિકા પર મંડાયેલી છે. રોકાણકારો હવે વ્યાજદરનું મૂલ્યાંકન કરવા માટે યોજાનારી ફેડરલ રિઝર્વની બેઠક અને દર અંગેના આગામી નિર્ણય તરફ તેમનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

હવે વિશ્ર્લેષકો ચેતવણી આપી રહ્યા છે કે અમેરિકામાં રિપબ્લિકન સ્વીપથી ભારતીય શેરબજારો માટે હકારાત્મક અને નકારાત્મક બંને અસરો થઈ શકે છે. ટ્રમ્પની નીતિઓની અસરને કારણે રૂપિયો નબળો પડી શકે છે, વ્યાજદરમાં ઘટાડો થઈ શકે છે અને ભારતમાંથી વિદેશી ફંડોની વેચવાલી વધી શકે છે. અમેરિકામાં ટ્રમ્પના સત્તારૂઢ થવાને કારણે ભારતીય શેરબજાર પર થનારી મહત્તમ અસરો આમ તો વિરોધાભાસી છે, જેમ કે ઓઇલ રિફાઇનરી કંપનીઓને લાભ તો ફાર્મા અને આઇટી કંપનીઓને માટે પડકારો ઊભા થવાની ધારણાં છે. ટ્રમ્પ ભારતીય માલોની આયાત પર જકાત વધારી શકે છે એટલે નિકાસકાર અને ખાસ કરીને અમેરિકા પર ફોકસ ધરાવતી કંપનીઓને નુકસાન થશે.

ટ્રમ્પના આવ્યા બાદ ડોલરની મજબૂતી અને યુએસ ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાને કારણે એફઆઇઆઇની વેચવાલી ઓર વધી શકે છે. ટ્રમ્પની નીતિ ફુગાવાજન્ય રહેવાની શક્યતા જોતાં વ્યાજદરની કપાતની ગતિ ધીમી પડી શકે છે. એક માત્ર આશા એ છે કે ટ્રમ્પ ચીનને દબાવીને રાખવાની કોશિશ કરશે, જે ભારતના લાભમાં રહેશે. હાલ ભારતીય કંપનીઓના ત્રિમાસિક પરિણામની સિઝન ચાલી રહી છે. કોર્પોરેટ કંપનીઓના એકંદર નબળાં પરિણામથી રોકાણકારો નિરાશ થયા છે. બીજી બાજુ ફોરેન ઈન્વેસ્ટર્સની એકધારી વેચવાલીથી રિટેલ રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરડાયું છે. સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામ સંકેત આપે છે કે, નિફ્ટીનો ગ્રોથ નાણાકીય વર્ષ ૨૦૨૫માં ૧૦ ટકાથી નીચે જઇ શકે છે.

આગામી ઘટનાઓને ધ્યાનમાં રાખી સાવચેતીના ભાગરૂપે રોકાણકારો બજારથી દૂર થઇ રહ્યા છે. રોકાણકારો દરેક ઉછાળે વેચવાલીની રણનીતિ અપનાવી રહી છે. ભારતીય શેરબજાર સેન્સેક્સ નિફ્ટી પાછલાં ઘણાં સમયથી ઐતિહાસિક ટોચે પહોંચ્યા બાદ હવે ઘટી રહ્યા છે, જેને ટેકનિકલ કરેક્શન કહી શકાય છે. અહીં બીજો સવાલ એ પણ થાય છે કે, ભારતના તાજેતરના માર્કેટ પુલબેક પાછળ શું ચીનના સ્ટિમ્યુલસ પેકેજની અસર જ એકમાત્ર કારણ છે! આ વિષયમાં ઊંડાણપૂર્વક જોવામાં આવે તો વૈશ્ર્વિક અને સ્થાનિક મુદ્દાઓનું સંયોજન મંદીવાળા રીંછડાને હાવી થવામાં મદદરૂપ બની રહ્યું છે.

ચીને સ્થાનિક વપરાશ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવા રજૂ કરેલા સ્ટિમ્યુલસ પેકેજને કારણે તેના શેરબજારમાં તેજી આવી છે. ફેબ્રુઆરીમાં, ચીનની ઘોષણાઓએ શાંઘાઈ ઇન્ડેક્સને ૧૭ ટકાથી વધુ વધવામાં મદદ કરી અને ઑક્ટોબરમાં બીજા રાઉન્ડમાં પણ વધુ લાભ થયો, પરંતુ નોંધવું રહ્યું કે તેના વેલ્યુએશન્સ ભારતીય શેરબજારથી નીચા છે. ભારતની વાત કરીએ તો ઓગસ્ટની શરૂઆતથી જ ભારતીય બજારનો લેન્ડસ્કેપ બદલાવા લાગ્યા હતોે. અગાઉ, બજારમાં તેજીની લહેર હતી, પરંતુ આ વર્ષે અર્થતંત્રની વધુ નાજુક સ્થિતિ અને કોર્પોરેટ સેકટરનાં નિરાશાજનક પરિણામોએ ભારતને વૈશ્ર્વિક સંકેતો અને વિદેશી રોકાણકારોના વલણ અંગે વધુ સંવેદનશીલ બનાવ્યું છે. ચીનની મજબૂત કામગીરી અંગેની ચિંતાઓએ ઇમર્જિંગ માર્કેટ ફંડ્સને પુન:સંતુલિત કરવા માટે પ્રેરિત કર્યા છે, જેણે ભારતમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા વેચવાલી વધારી છે.

આ ઉપરાંત અન્ય પરિબળોમાં અમેરિકાના ટ્રેઝરી બોન્ડની વધી રહેલી ઊપજ અને મજબૂત થતા ડોલરે ભારત સહિત ઊભરતાં બજારો પર દબાણ વધાર્યું છે. અમેરિકામાં મજબૂત આર્થિક ડેટાએ વ્યાજદરમાં નોંધપાત્ર ઘટાડાની અપેક્ષાઓને ઉલટાવી દીધી, જે ઊંચી ઊપજ અને મજબૂત ડોલર તરફ દોરી જાય છે અને પરિણામે ઊભરતા બજારોમાંથી મૂડીપ્રવાહને તાણી જવા માટે એફઆઇઆઇને પ્રોત્સાહન આપે છે. સ્થાનિક મોરચે, ભારતની વૃદ્ધિની ગતિમાં ઘટાડો થયો છે. તાજેતર સુધી ભારતની કોર્પોરેટ કમાણી મજબૂત હતી, પરંતુ પ્રથમ અને દ્વિતીય ત્રિમાસિકગાળાની મંદીને કારણે અર્થતંત્રમાં એક સાઇક્લિકલ મંદી સર્જાઇ છે. નબળા કોર્પોરેટ પરિણામોને કારણે, ખાસ કરીને સ્મોલ અને મિડકેપ શેરોમાં વેચવાલી તીવ્ર બની છે. વિદેશી ફંડોએ આ મહિને જ ૧૩ અબજથી વધુનું ભંડોળ ખેંચ્યું છે, જે કોવિડ પીક આઉટફ્લોને વટાવી ગયું છે.

હાલ તો માત્ર એટલું કહી શકાય કે બજારે સમયાંતરે કરેક્શનનો સામનો કરવો પડશે, જેમાં તીવ્ર ભાવ કરેક્શનની સંભાવના વ્યક્ત કરી શકાય, બાકી આગળની ચાલ તદ્દન અનિશ્ર્ચિત જણાઇ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker