ટ્રમ્પની ટેરિફ વોરની અસર, ભારતની અમેરિકામાં નિકાસમાં 37.5 ટકાનો ઘટાડો

નવી દિલ્હી : અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહેલા ટેરિફ વોરની અસર ભારતની નિકાસ પર પડી છે. જેમાં ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવના પ્રકાશમાં આવેલા આંકડાઓ મુજબ મે અને સપ્ટેમ્બર 2025 દરમિયાન ભારતની અમેરિકામાં નિકાસમાં 37.5 ટકાનો ઘટાડો થયો છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો માનવામાં આવે છે.
યુએસ બજારમાં ભારતની અત્યાર સુધીની સૌથી ઓછી નિકાસ
જેમાં અમેરિકાએ ટેરિફ વોરની શરુઆત કરતા એપ્રિલ 2025માં ભારતના સામાન પર 10 ટકા ટેરિફ ઝીંક્યો હતો. જેને ઓગષ્ટમાં માસમાં વધારીને 50 ટકા કરવામાં આવ્યો છે. જેના પગલે ભારતની અમેરિકામાં નિકાસ 8.8 બિલીયન ડોલરથી ઘટીને 5.5 બિલીયન ડોલર થઈ ગઈ છે. જે યુએસ બજારમાં ભારતની અત્યાર સુધીની સૌથી ઓછી નિકાસ છે.
ટેરિફ-મુક્ત માલ સામાન પર સૌથી વધુ અસર
આ ઉપરાંત વધારેલા ટેરિફની સૌથી વધુ અસર ટેરિફ-મુક્ત માલ સામાન પર પડ્યો હતો. જેમાં ભારતથી યુએસમાં નિકાસ થતી ત્રીજા ભાગનો હિસ્સો ધરાવતી વસ્તુઓના નિકાસમાં 47 ટકાનો ઘટાડો થયો છે. જે નિકાસ મે મહિનામાં 3.4 બિલીયન ડોલર હતી તે ઘટીને સપ્ટેમ્બર માસમાં 1.8 બિલીયન ડોલર થઈ ગઈ.
ફાર્માસ્યુટિકલ નિકાસમાં પણ 15.7 ટકાનો ઘટાડો
જેમાં ભારતની સ્માર્ટફોન નિકાસમાં 58 ટકાનો ઘટાડો થયો છે. નિકાસ મે મહિનામાં 2.29 બિલિયન ડોલરથી ઘટીને સપ્ટેમ્બરમાં માત્ર 884.6 મિલિયન ડોલર થઈ ગઈ છે. આ દરમિયાન, ફાર્માસ્યુટિકલ નિકાસમાં પણ 15.7 ટકાનો ઘટાડો થયો. દવાની નિકાસ 745.6 મિલિયન ડોલરથી ઘટીને 628.3 મિલિયન ડોલર થઈ ગઈ છે.
ઇન્ડસ્ટ્રીયલ મેટલ અને ઓટો પાર્ટ્સની નિકાસમાં પણ ઘટાડો
ઇન્ડસ્ટ્રીયલ મેટલ અને ઓટો પાર્ટ્સની નિકાસમાં પણ ઘટાડો થયો છે. આ શ્રેણીમાં સરેરાશ 16.7 ટકાનો ઘટાડો જોવા મળ્યો. એલ્યુમિનિયમ 37 ટકા. તાંબામાં 25 ટકા , ઓટો પાર્ટ્સમાં 12 ટકા અને લોખંડ અને સ્ટીલની નિકાસમાં 8 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
રત્નો અને ઝવેરાત ક્ષેત્રમાં 60 ટકાનો મોટો ઘટાડો
આ ઉપરાંત ભારતમાંથી ટેક્સટાઈલ, રત્નો, ઝવેરાત, કેમિકલ અને કૃષિ-ખાદ્ય પદાર્થોમાં સામૂહિક રીતે 33 ટકા ઘટાડો થયો. ખાસ કરીને રત્નો અને ઝવેરાત ક્ષેત્રમાં 60 ટકાનો મોટો ઘટાડો થયો. આ અહેવાલ અનુસાર આ ક્ષેત્રમાં નિકાસમાં ઘટાડાને કારણે થાઈલેન્ડ અને વિયેતનામ જેવા દેશોએ ભારતનો બજાર હિસ્સો છીનવી લેવાનું શરૂ કર્યું છે.
આ પણ વાંચો…AI માટે ભારતીયોની જરૂર! અમેરિકી સાંસદોએ H-1B વિઝાના આદેશને પાછો ખેંચવા ટ્રમ્પને કરી અપીલ



