નેશનલ

ટ્રમ્પને અયોગ્ય ટિપ્પણી કરવા બદલ ૧૦,૦૦૦ ડૉલરનો દંડ

ન્યૂ યોર્ક : અમેરિકાના ભતૂપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને બુધવારે અયોગ્ય ટિપ્પણી કરવા બદલ જજે ૧૦,૦૦૦ ડોલરનો દંડ કર્યો હતો. આ અગાઉ સોશિયલ મીડિયા પર એક અન્ય અયોગ્ય ટિપ્પણીના પગલે ટ્રમ્પને ૫,૦૦૦ ડૉલરનો દંડ કરવામાં આવ્યો હતો. ટ્રમ્પ સામે ન્યૂયોર્કની સિવિલ કોર્ટમાં છેતરપિંડી અંગેનો કેસ ચાલી રહ્યો છે. જજ આર્થર એનગોરોને કેસ સાથે સંકળાયેલા લોકોને કોર્ટના સ્ટાફ અંગે જાહેરમાં ટિપ્પણી કરવા સામે પ્રતિબંધ લાદયો હતો. જજના મહિલા કલાર્ક સામે ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરી હતી. સોશિયલ મીડિયા પરની પોસ્ટ હટાવી દેવા જજે ટ્રમ્પને આદેશ કર્યો હતો જેનું પાલન થોડા સમય પછી કરવામાં આવ્યું હતું. આથી ગયા શુક્રવારે ટ્રમ્પને ૫,૦૦૦ ડૉલરનો દંડ કરવામાં આવ્યો હતો. બુધવારે ટ્રમ્પે પત્રકારો સમક્ષ એવું કહ્યું હતું કે, જજ પાસે એક એવી વ્યક્તિ બેઠી છે જે પક્ષપાતી છે. જજે બુધવારે ટ્રમ્પને પોતાની, ટિપ્પણી અંગે નિવેદન આપવા કહ્યું હતું. ટ્રમ્પે જજને કહ્યું કે, મેં તમારા કલાર્ક બાબતમાં ‘પક્ષપાતી છે’ એવું નથી કહ્યું પણ મેં પક્ષપાતી તેમને અને માઇકલ કોહેન (સાક્ષી)ને કહ્યું હતું.

ટ્રમ્પના ત્રણ એડવોકેટ ૧૦,૦૦૦ ડૉલરના દંડ સામે વાંધો ઉઠાવ્યો હતો. માઇકલ કોહેન વર્ષો સુધી ટ્રમ્પનો લોયર હતો. વર્ષ ૨૦૧૮માં કોહેન સામે કોર્ટમાં કેસ દાખલ થયો હતો જે ટૅક્સચોરી બાબતમાં હતો. ટ્રમ્પ સામે ન્યૂ યોર્કના એટર્ની જનરલ લેટિટિઆ જેમ્સ દ્વારા સિવિલ કોર્ટમાં કેસ દાખલ કરાયો હતો. જેમાં કોહેન ફરિયાદ પક્ષનો મુખ્ય સાક્ષી છે. લોન મેળવવા અને સોદાઓ કરવા ટ્રમ્પ પોતાના રિયલ એસ્ટેટ એસેટસના મૂલ્યને વધારીને દર્શાવતા હતા તેવી ફરિયાદ એટર્ની જનરલની ટ્રમ્પ સામે હતી. ટ્રમ્પ પોતાને નિર્દોષ ગણાવે છે. ટ્રમ્પે કહ્યું હતું કે, “અદાલતી કાર્યવાહી અયોગ્ય છે. મારી સામે રાજકીય કારણોસર ક્ધિનાખોરી રાખી કાર્યવાહી કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button