તિરુપતિ જતી બસ સાથે ટ્રકની ટક્કર, 9 લોકોના મોત

કર્ણાટકમાં કોલાર નજીક નરસાપુરમાં શુક્રવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં એક ટ્રકે મુસાફરોથી ભરેલી બસના ટક્કર મારી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ બસ મુસાફરો સાથે બેંગ્લોરથી તિરુપતિ જઈ રહી હતી આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં નવ લોકોના મોત થયાની માહિતી સામે આવી છે જ્યારે અકસ્માતમાં 15થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.
અકસ્માત બાદનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં બસ ક્ષતિગ્રસ્ત હાલતમાં જોઈ શકાય છે. તે સ્થળ પર ટ્રક પણ દેખાય છે. પેસેન્જર બસના ફુરચા ઉડી ગયા છે અને રસ્તા પર કાગળો વિખરાયેલા છે. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર, ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે આ અકસ્માત થયો હતો.
ઘટના બાદ સ્થાનિક પોલીસને માહિતી આપવામાં આવી હતી. હાલમાં પોલીસની ટીમ ઘટના પહોંચી ગઈ હતી. તેમજ રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. પોલીસની ટીમ ઘાયલોને હોસ્પિટલમાં લઈ ગઈ છે અને તેમની સારવાર ચાલી રહી છે. અકસ્માતને કારણે આ વિસ્તારનો વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.
કર્ણાટકમાં 24 કલાકમાં આ બીજી મોટી દુર્ઘટના છે. ગુરુવારે મંડ્યા જિલ્લાના નાગમંગલા તાલુકામાં શ્રીરામનહલ્લી ગેટ પાસે કાર અને કેન્ટર વાહન વચ્ચેની અથડામણમાં ત્રણ લોકોના મોત થયા હતા. કાર હોલાલકેરેથી મૈસુર જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો.
Also Read –