તૃણમૂલના સાંસદને ઈડીનું તેડું
કોલકાતા: કથિત શાળા નોકરી કૌભાંડના સંબંધમાં નવમી નવેમ્બરે હાજર થવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી)એ તૃણમૂલ કૉંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીને સમન્સ પાઠવ્યા છે. ટીએમસીના પ્રવકતા અને પશ્ર્ચિમ બંગાળના મહિલા, બાળકલ્યાણ, પ્રધાન શશી પાંજાએ બુધવારે કહ્યું કે અભિષેક બેનર્જી ‘બદલાના રાજકારણ’નો ભોગ બન્યા છે.
આ અગાઉ ઈડીએ ત્રીજી ઑક્ટોબરે બેનર્જીને સમન્સ પાઠવ્યા હતા જેમાં બેનર્જી હાજર થયા ન હતા. ૧૩મી સપ્ટેમ્બરે ઈડીએ બેનર્જીની લગભગ નવ કલાક સુધી પૂછપરછ કરી હતી. કોલસા-ચોરી કૌભાંડમાં પણ ઈડીએ ૨૦૨૧ અને ૨૦૨૨માં બેનર્જીની પૂછપરછ કરી હતી. આ કૌભાંડની વર્ષ ૨૦૨૨થી સીબીઆઈ અને ઈડી તપાસ કરી રહી છે.
શશી પાંજાએ આક્ષેપ કર્યો હતો કે નેતાઓની હેરાનગતિ કરવા ભાજપ આવું ‘બદલાનું રાજકારણ’ કરે છે. પશ્ર્ચિમ બંગાળના ભાજપના પ્રવકતા શમિક લાહિરીએ કહ્યું કે તેમનો પક્ષ બદલાના રાજકારણમાં માનતો નથી. કોર્ટની દેખરેખ હેઠળ કેન્દ્રની સરકારી એજન્સીઓ કાર્યવાહી કરી રહી છે.