કેજરીવાલના ઘર પર તિરંગો ના ફરકાવાયો, પત્ની સુનીતાએ કહ્યું કે…

નવી દિલ્હી: ભારતે તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો હતો. સ્વતંત્રતાના દિવસ પર તમામ સરકારી કચેરીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. જોકે, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો ન હતો. આના પર કેજરીવાલની પત્ની સુનીતાએ નારાજગી વ્યક્ત કરી અને નરેન્દ્ર મોદી સરકાર પર તાનાશાહીનો આરોપ લગાવ્યો હતો.
સુનીતા કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે આજે મુખ્ય પ્રધાન નિવાસસ્થાન પર તિરંગો ફરકાવવામાં આવ્યો નથી. આ ખૂબ દુઃખદ છે. આ તાનાશાહીમાં એક ચૂંટાયેલા મુખ્ય પ્રધાનને જેલમાં રાખી શકો છો પરંતુ દિલમાં રહેતા દેશપ્રેમને કેવી રીતે રોકી શકાય છે?
આ પણ વાંચો : સત્તાધારીઓ વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસની ઉજવણી દ્વેષભાવના ફેલાવવા માટે કરી રહ્યા છે: ખડગે
પોતાની પોસ્ટમાં સુનીતા કેજરીવાલે આમ આદમી પાર્ટીના નેતા આતિશીની પોસ્ટ પણ શેર કરી હતી જેમાં આતિશીએ લખ્યું હતું કે આપણે આ સ્વતંત્રતા દિવસ પર પ્રતિજ્ઞા લઈએ કે આપણે આપણા અંતિમ શ્વાસ સુધી સરમુખત્યારશાહી સામે લડતા રહીશું.
અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાં હોવાના કારણે દિલ્હીના મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન પર રાષ્ટ્રધ્વજ કોણ ફરકાવશે તે અંગે અનિશ્ચિતતા હતી. કેજરીવાલની સીબીઆઇએ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી.
સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ સુપ્રીમ કોર્ટે કેજરીવાલની જામીન અરજી ફગાવી દીધી હતી. સામાન્ય વહીવટ વિભાગે મંગળવારે કહ્યું કે તે કેબિનેટ મંત્રી આતિશીને મુખ્ય પ્રધાન તરફથી રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સત્તા આપી શકે નહીં. જીએડીએ તેને ‘કાયદેસર રીતે અમાન્ય’ ગણાવ્યું હતું.