નેશનલ

રામ મંદિરના નિર્માણ માટે પોતાના જીવનું બલિદાન આપનારને શ્રદ્ધાંજલિ અપાશે

અયોધ્યા: અયોધ્યામાં રામ મંદિર બાંધવા માટે ૫૦૦ વર્ષ સુધી સંઘર્ષ ચાલ્યો ત્યારે આ આંદોલનો દરમિયાન કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે રામમંદિરના નિર્માણ માટે જીવ આપનાર તમામને રામ મંદિર દ્વારા આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. રામ મંદિર ટ્રસ્ટે જાહેરાત કરી હતી કે તે આજે શહીદોની શાંતિ માટે પિતૃપક્ષના દિવસે એટલે કે આજે શ્રાદ્ધ અને તર્પણ કરશે. આજે સાંજે રામ કી પૌડી ખાતે દીપ દાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મંત્રોના જાપની વચ્ચે સરયુ પર લગભગ ૧૦ હજાર દીવા પ્રગટાવવામાં આવશે.

પીએમ નરેન્દ્ર મોદીની હાજરીમાં ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ રામ લલાના બાળ સ્વરૂપનો પણ અભિષેક થવાનો છે. ત્યારે આ સમય દરમિયાન એ તમામ શહીદો કે જેમના બલિદાનને કારણે આજે રામ મંદિર તેના આખરી ઓપ સુધી પહોંચ્યું છે તે તમામને આજે અને રામ લલાના અભિષેકના દિવસે ખાસ યાદ કરવામાં આવશે. આની પાછળ એવી માન્યતા પણ છે કે જે હેતુ માટે તેમણે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું તે હેતુ એટલે કે રામ મંદિરનું નિર્માણની તેમની અધૂરી ઈચ્છા પૂર્ણ થઈ છે, તેથી હવે તેમની આત્માના ઉદ્ધાર માટે પૂજા જરૂરી છે. આ પ્રાણ પ્રતિષ્ઠાના અગાઉના કાર્યક્રમનો એક ભાગ છે.

રામ મંદિર ટ્રસ્ટ શ્રાદ્ધ પૂજામાં તેવા લોકોને ખાસ બોલાવશે જેમના પરિવારજનો એ પોતાના જાનનું બલિદાન આપ્યું છે. રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવે કહ્યું હતું કે ૫૦૦ વર્ષમાં અયોધ્યાની રામ જન્મભૂમિને પ્રાપ્ત કરવા માટે કેટલા લોકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે, કોઈને ખબર નથી કે તેમના નામ શું છે. એટલે જેને ઓળખીયે છીએ તેમને તે બોલાવીશું પરંતુ જેના વિશે કંઇ ખબર નથી તેમના આત્માને શાંતિ અને મોક્ષ મળે તે માટે પણ પ્રાર્થના કરીશું અને એટલે જ દસ હજાર દિવા કરીને તમામને રામ કી પૈડી પર શ્રધ્ધાંજલિ આપીશું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button