વિદેશી રાજનેતાઓથી લઈને બૉલીવુડ સ્ટાર્સે મનમોહન સિંહનાં નિધન પર આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી: દેશનાં ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના નિધન પર ભારત સહિત દેશ વિદેશનાં મહાનુભાવોએ શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી છે. યુનાઇટેડ સ્ટેટ્સના વિદેશ સચિવ એન્ટની બ્લિંકને ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. બ્લિંકને કહ્યું કે મનમોહન સિંહે યુએસ-ભારત સંબંધોને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
બ્લિંકને નેતૃત્વની પ્રશંસા કરી
બ્લિંકને ડૉ. મનમોહન સિંહના નેતૃત્વની પ્રશંસા કરી અને કહ્યું કે તેમણે ભારતમાં આર્થિક સુધારાને આગળ ધપાવવા અને યુએસ-ભારત વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારતને નજીક લાવવાના તેમના સમર્પણ માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે, જેમાં યુએસ-ભારત નાગરિક પરમાણુ સહકાર કરાર દ્વારા પણ સામેલ છે.
જર્મનીનાં ભૂતપૂર્વ ચાન્સેલર એન્જેલા મર્કેલે પણ ડૉ. મનમોહન સિંહનાં નિધન પર શોક વ્યક્ત કર્યો છે, તેમણે X પર પોસ્ટ કરીને તેમની આર્થિક નીતિઓની પ્રશંસા કરી હતી. 2005થી 2021 વચ્ચે જર્મનીના ચાન્સેલર રહેલા એન્જેલા મર્કેલે ફ્રીડમ મેમોઇર્સ (1954-2021)માં કહ્યું છે કે તેઓ પહેલીવાર એપ્રિલ 2006માં સિંઘ એટલે કે મનમોહન સિંહને મળ્યા હતા, જ્યારે તેમણે આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે લખ્યું કે સિંહનો પ્રાથમિક ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં રહેતી ભારતની 1.2 અબજ વસ્તીમાંથી બે તૃતીયાંશ લોકોના જીવનધોરણમાં સુધારો કરવાનો હતો.
બૉલીવુડ સ્ટાર્સે આપી શ્રદ્ધાંજલિ
ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર બોલિવૂડ સ્ટાર્સ, ટેલિવિઝન પરની હસ્તીઓએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે. આ યાદીમાં દિલજીત દોસાંઝ, નિમૃત કૌર, સની દેઓલ, સંજય દત્ત, મનોજ વાજપેયી, કપિલ શર્મા, રિતેશ દેશમુખ, મધુર ભંડારકર વગેરેના નામ સામેલ છે.
Also Read – સોનિયા અને રાહુલ ગાંધી સાથે મતભેદમાં બે વાર પદ પરથી રાજીનામું આપવા પણ તૈયાર થઈ ગયા હતા ડૉ. મનમોહન…
સની દેઓલે આપી શ્રદ્ધાંજલિ
સની દેઓલે તેના X એકાઉન્ટ પર એક પોસ્ટ કરીને સંદેશ શેર કર્યો છે અને લખ્યું છે કે, ‘ભારતના આર્થિક ઉદારીકરણને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવનાર સ્વપ્નદ્રષ્ટા નેતા ડૉ. મનમોહન સિંહના નિધન વિશે સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે. રાષ્ટ્રના વિકાસમાં તેમની બુદ્ધિમત્તા, પ્રમાણિકતા અને યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. મારી હૃદયપૂર્વકની સંવેદના.”