આદિવાસી નેતા વિષ્ણુદેવ બન્યા છત્તીસગઢના નવા મુખ્ય પ્રધાન
રાયપુર: છત્તીસગઢના આદિવાસી નેતા વિષ્ણુદેવ સાયને રાજ્યના આગામી મુખ્ય પ્રધાન બનાવવાની રવિવારે જાહેરાત કરાઇ હતી.
રાજ્ય વિધાનસભામાં તાજેતરમાં ચૂંટાયેલા ભાજપના ૫૪ વિધાનસભ્યની અહીં આવેલા પક્ષના વડા મથક કુશાભાઉ ઠાકરે પરિસર ખાતે મળેલી બેઠકમાં ભાજપના ધારાસભ્યોના પક્ષના નેતા તરીકે ૫૯ વર્ષીય વિષ્ણુદેવ સાયને ચૂંટી કાઢવામાં આવ્યા હતા. વિષ્ણુદેવ સાયે પોતાનામાં વિશ્ર્વાસ મૂકવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના પ્રમુખ જે. પી. નડ્ડા અને પક્ષના અન્ય નેતાઓનો આભાર માન્યો હતો.
તેમણે ભાજપના ધારાસભ્યોના પક્ષના સભ્યોની બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે હું ‘વડા પ્રધાન મોદીની ગેરંટી’ને પૂરી કરવા બનતા દરેક પ્રયાસ કરીશ.
વિષ્ણુદેવ સાયે જણાવ્યું હતું કે હું રાજ્યમાં રહેઠાણ યોજના હેઠળ ૧૮ લાખ ઘર પૂરા પાડવાની બાબતને પ્રાધાન્ય આપીશ.
વિષ્ણદેવ સાય વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં સરગુજા વિભાગની કુનકુરી બેઠક પરથી જીત્યા હતા. ભાજપ આ વિસ્તારની બધી (૧૪) બેઠક પર વિજયી થયો હતો.
ભાજપના ત્રણ નિરીક્ષક – કેન્દ્રના પ્રધાનો અર્જુન મુંડા અને સર્વાનંદ સોનોવાલ અને પક્ષના મહામંત્રી દુષ્યંતકુમાર ગૌતમ પક્ષના નવા ચૂંટાયેલા વિધાનસભ્યોની રવિવારે મળેલી બેઠકમાં હાજર રહ્યા હતા.
આ ઉપરાંત, છત્તીસગઢમાંના ભાજપના ઇન-ચાર્જ ઓમ માથુર, કેન્દ્રના પ્રધાન મનસુખ માંડવિયા અને રાજ્યમાંના પક્ષના કૉ-ઇન-ચાર્જ નીતિન નવીન પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. ભાજપને છત્તીસગઢ વિધાનસભાની ૯૦ બેઠકની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ૫૪ બેઠક મળી હતી.કૉંગ્રેસને અગાઉ ૨૦૧૮ની વિધાનસભાની ચૂંટણીમાં ૬૮ બેઠક મળી હતી, પરંતુ આ ચૂંટણીમાં તેની બેઠકોની સંખ્યા ઘટીને ૩૫ થઇ ગઇ હતી.
ગોંડવાના ગણતંત્ર પાર્ટીએ આ વખતે એક બેઠક જીતી હતી.
બે નાયબ મુખ્ય પ્રધાન
છત્તીસગઢના બે નાયબ મુખ્ય પ્રધાન તરીકે અરુણ સાવ અને વિજય શર્માની પસંદગી કરાઇ હતી, જ્યારે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રમણ સિંહને સ્પીકર બનાવાશે.
૫૫ વર્ષીય અરુણ સાવ આ પહેલાં બિલાસપુરની લોકસભા બેઠક પરથી સંસદમાં ચૂંટાયા હતા. તેઓ હાલમાં મુંગેલીની લોરમી બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. તેઓ હાલમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે. પચાસ વર્ષીય વિજય શર્મા કબીરધામના કર્વધાની બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા.