નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર(Jammu and Kashmir)ના મુલાકાતે જનારા પ્રવાસીઓની મુસાફરી સરળ અને સુખદ બનશે. જમ્મુથી શ્રીનગર વચ્ચે ઝડપથી પહોંચી શકાશે, ટૂંક સમયમાં બનિહાલ-કટરા સેક્શન (Banihal-Katara Section) પર ટ્રેન દોડાવવામાં આવશે જેને કારણે જમ્મુ અને શ્રીનગર વચ્ચે મુસાફરીનો સમય ફક્ત ત્રણ કલાક અને દસ મિનિટનો જ થઇ જશે.
વંદે ભારત ટ્રેન શરુ કરાશે:
રેલવે માત્રલાયે આપેલી માહિતી મુજબ, જમ્મુ વિભાગ હેઠળ નવનિર્મિત 111 કિલોમીટર લાંબા બનિહાલ-કટરા સેક્શન પર અંતિમ સુરક્ષા નિરીક્ષણ શરૂ થઈ ગયું છે. રેલ મુસાફરોને આ વર્ષના અંત સુધીમાં આ રૂટ પર વિશ્વ કક્ષાની મુસાફરીની સુવિધા મળશે, કારણ કે જમ્મુ સ્ટેશનને 8 પ્લેટફોર્મ અને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવા માટે રીડેવલોપ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત 8 કોચવાળી જમ્મુ-શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટૂંક સમયમાં કટરા અને શ્રીનગર વચ્ચે દોડાવવામાં આવશે.
એન્જિનિયરિંગની મોટી સિદ્ધિ:
કાશ્મીર ખીણ અને જમ્મુ વચ્ચે રેલ કનેક્ટિવિટી માટે લાંબા સમયની રાહનો અંત આવશે. બનિહાલ-કટરા વિભાગનું નિર્માણ પૂર્ણ થવું એ એક એન્જિનિયરિંગની મોટી સિદ્ધિ માનવામાં આવે છે. આ રૂટમાં 97 કિમી લાંબી ટનલનો સમાવેશ થાય છે. કુલ મળીને 7 કિમી અંતરના 4 મુખ્ય પુલો આવેલા છે.
આ પ્રોજેક્ટમાં સૌથી મોટો પડકાર ચેનાબ નદી પર વિશ્વના સૌથી ઊંચા આર્ક બ્રીજ (359 મીટર)નું નિર્માણ કરવાનો હતો. 30,000 ટન સ્ટીલનો ઉપયોગ કરીને રોક બોલ્ટિંગ પદ્ધતિ દ્વારા આ પ્રાપ્ત થયું. બીજો મોટો પડકાર અંજી નદી પર ભારતનો પહેલો કેબલ-સ્ટેડ બ્રિજ બનાવવાનો હતો. આ વિભાગ પરના બે અન્ય પુલ રિયાસી બ્રિજ અને બક્કલ બ્રિજ છે.
આ પણ વાંચો…મહાકુંભ 2025: સ્નાન માટે 12 કિમીનો ઘાટ ઉપરાંત અન્ય વ્યવસ્થા જાણો
સલામતી પર ધ્યાન:
પ્રોજેક્ટ અમલમાં મૂકતી વખતે, રેલ્વે ઇજનેરોએ સલામતી અંગે ચિંતાઓને દૂર કરવા અને મુખ્ય અને 67 કિલોમીટર લાંબી એસ્કેપ ટનલને મજબૂત બનાવવા માટે પરંપરાગત ટનલિંગ પદ્ધતિને બદલે હિમાલયન ટનલિંગ તકનીકની શોધ કરી હતી. આ ટનલ સંપૂર્ણપણે બેલાસ્ટલેસ ટ્રેક ધરાવે છે, જે સાંધા વગરના મેટ્રો ટ્રેક પર વપરાતા ટ્રેક જેવો જ છે.
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ટ્રાયલ રનનો વિડીયો શેર કર્યો છે.
ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) પ્રોજેક્ટના આ વિભાગમાં સૌથી લાંબી ટનલ, જેની લંબાઈ 12.77 કિમી લાંબી છે. સલામતી અને સંચાલન ડેટા પર નજર રાખવા માટે ટનલમાં દર 50 મીટરના અંતરે કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરા એક અત્યાધુનિક સેન્ટ્રલ કન્ટ્રોલ સેન્ટર જોડવામાં આવશે. રેલવેએ પ્રોજેક્ટ સ્થળો સુધી પહોંચવા માટે આ વિસ્તારમાં 215 કિમી લાંબા રસ્તાઓ પણ બનાવ્યા છે, જેનાથી સ્થાનિક લોકોને ફાયદો થયો છે.