નેશનલ

મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને ટ્રાન્સફર કરાયો

‘મહાદેવ’ બૅટિંગ ઍપ કેસ

મુંબઈ: ગેરકાયદે જુગાર અને સાયબર છેતરપિંડીને લગતો ‘મહાદેવ’ બૅટિંગ ઍપ કેસ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને ટ્રાન્સફર કરાયો હતો.
અગાઉ, રૂપિયા ૧૫,૦૦૦ કરોડની કહેવાતી છેતરપિંડીના આ કેસમાં અહીં પ્રથમદર્શી અહેવાલ (એફઆઇઆર) નોંધાવાયો હતો. મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફણસળકરે આ કેસના વ્યાપને ધ્યાનમાં રાખીને તે ગુના શોધક શાખાને તબદીલ કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે આ ઍપના પ્રમૉટર સૌરભ ચંદ્રાકાર, રવિ ઉપ્પલ, શુભમ સોની સહિત ૩૨ જણની સામે ૨૦૧૯ના છેતરપિંડીના આ કેસમાં ચાલુ મહિનાની શરૂઆતમાં માટુંગા પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવાયો હતો.
પ્રથમદર્શી અહેવાલમાં આક્ષેપ કરાયો હતો કે આરોપીઓએ લોકોની સાથે અંદાજે રૂપિયા ૧૫,૦૦૦ કરોડની છેતરપિંડી કરી હતી.
‘મહાદેવ’ બૅટિંગ ઍપ કેસમાં પ્રમૉટર્સે છત્તીસગઢના મુખ્ય પ્રધાનને અત્યાર સુધીમાં અંદાજે રૂપિયા ૫૦૮ કરોડ ચૂકવ્યા હોવાનો આક્ષેપ છે.
બાદમાં, ભાજપ દ્વારા બહાર પાડવામાં આવેલી સંબંધિત વીડિયો ક્લિપમાં શુભમ સોનીએ પોતાને આ ઍપનો માલિક ગણાવ્યો હતો અને છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલને રૂપિયા ૫૦૮ કરોડ ચૂકવાયા હોવાના પુરાવા પોતાની પાસે હોવાનો દાવો કર્યો હતો.
કેન્દ્ર સરકારે એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)ની ભલામણથી ‘મહાદેવ’ સહિતની ૨૨ ગેરકાયદે બૅટિંગ ઍપ પર પ્રતિબંધ મૂક્યા હતા. તેને પગલે છત્તીસગઢમાં અનેક સ્થળે દરોડા પણ પડાયા હતા.
છત્તીસગઢની પોલીસે આ ઍપના સંબંધમાં ઓછામાં ઓછા ૭૫ એફઆઇઆર નોંધ્યા હતા. ઇડી દ્વારા પણ આ કેસની તપાસ હાથ ધરાઇ હતી. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button