બિહારમાં રાજકીય ગરમાવો વચ્ચે અધિકારીઓની બદલી, દિલ્હીમાં અમિત શાહ સહિત મોટા નેતાઓની બેઠક
બિહારમાં રાજકીય વાતાવરણ વધુને વધુ વણસતું જાય છે. નીતીશ કુમાર અને ભાજપના ગઠબંધનને લઈને ચર્ચાઓ તેજ ચાલી રહી છે. એક પછી એક ઘટનાક્રમ રાજકીય માહોલને વધુને વધુ ગરમ કરી રહ્યું છે. તેવામાં ખબર સામે આવી છે કે દિલ્હીમાં અમિત શાહ સહિત ઘણા મોટા નેતાઓમાં એક બેઠક યોજાઇ છે.
દિલ્હી BJP મુખ્ય કાર્યાલયમાં આ મુદ્દે પાર્ટીના વડા જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને બિહારના અન્ય નેતાઓ વચ્ચે બેઠક ચાલી રહી છે. બિહાર મુદ્દે ચાલી રહેલી બેઠકમાં નડ્ડા અને શાહ ઉપરાંત બીએલ સંતોષ, વિનોદ તાવડે પણ હાજર છે. લોકસભા ચૂંટણી 2024 શરૂ થવામાં હવે 2 મહિનાથી પણ ઓછો સમય બાકી છે. આવી સ્થિતિમાં નીતિશ કુમાર કઈ દિશામાં જાય છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.
હાલમાં માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ બિહારમાં પણ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. સીએમ નીતિશ કુમારે તેમના નિવાસસ્થાને તમામ વરિષ્ઠ નેતાઓની બેઠક બોલાવી છે, જેમાં ધારાસભ્યોએ પણ ભાગ લીધો હતો. તે જ સમયે, જો આપણે લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડીની વાત કરીએ તો ત્યાં પણ બેઠકોનો દોર ચાલી રહ્યો છે.
આ સાથે જ સમાચાર બહાર આવ્યા છે કે ઘણા IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. પટના ડીએમ ડૉ.ચંદ્રશેખર સિંહને જીવિકાના મુખ્ય કાર્યકારી અધિકારી બનાવવામાં આવ્યા છે. ચંદ્રશેખર સિંહને મુખ્યમંત્રીના વિશેષ સચિવનો હવાલો આપવામાં આવ્યો છે. આ સાથે ચંદ્રશેખરને અન્ય ઘણા વિભાગોનો હવાલો પણ આપવામાં આવ્યો છે. હવે પૂર્વ જેલ આઈજી ડૉ. ચંદ્રશેખર સિંહની જગ્યાએ કપિલ અશોકને પટનાના નવા જિલ્લા મેજિસ્ટ્રેટ બનાવવામાં આવ્યા છે.
તેવામાં આ દરમિયાન ભાગલપુરના જિલ્લા મેજિસ્ટ્રેટ સુબ્રત કુમાર સિંહની બદલી કરીને મુઝફ્ફરપુરના જિલ્લા મેજિસ્ટ્રેટ બનાવવામાં આવ્યા છે. જ્યારે મુખ્યમંત્રીના નાયબ સચિવ મકસૂદ આલમની બદલી કરવામાં આવી છે અને તેમને ગોપાલગંજના ડીએમ બનાવવામાં આવ્યા છે.
ગોપાલગંજ જિલ્લા મેજિસ્ટ્રેટ નવલકિશોર ચૌધરીને ભાગલપુરના જિલ્લા મેજિસ્ટ્રેટ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત નાણાં વિભાગના અગ્ર સચિવ અરવિંદ કુમાર ચૌધરીની બદલી કરીને ગ્રામીણ વિકાસ બાબતોના વિભાગના અગ્ર સચિવ બનાવાયા છે. ગૃહ વિભાગના અગ્ર સચિવ સેન્થિલ કુમારની બદલી કરીને તેમને આયોજન અને વિકાસ વિભાગના અગ્ર સચિવ બનાવવામાં આવ્યા છે.