અયોધ્યા આવી અને જઈ રહેલી બે ટ્રેનો એક સાથે સ્ટેશન પર પહોંચી અને થયું કંઈક એવું કે…
22મી જાન્યુઆરી બાદથી તો અયોધ્યા જનારા ભક્તોની સંખ્યામાં જંગી વધારો જોવા મળી રહ્યો છે. દરરોજ લાખો ભક્તો રામ લલ્લાના દર્શન કરવા અયોધ્યા પહોંચે છે, પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વાઈરલ વીડિયોમાં રેલવે સ્ટેશન પર જ્યારે અયોધ્યાથી આવનારી અને અયોધ્યા જનારી બે ટ્રેનો એક જ રેલવે સ્ટેશન પર ભેગી થાય છે ત્યારે જે દ્રશ્ય સર્જાય છે એ ખરેખર જોવાલાયક છે… આ દ્રશ્ય જોઈને તમે પણ બોલી ઉઠશો કે વાહ… શું અદ્ભૂત તાલમેલ છે… વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ વીડિયો મધ્ય પ્રદેશના ખંડવા રેલવે સ્ટેશનનો છે.
આ સ્ટેશન પર અપ અને ડાઉન દિશાની ટ્રેનમાંથી ઉતરેલા અયોધ્યા આવનારા અને જનારા પ્રવાસીઓ સાથે મળીને નાચવા-ગાવા લાગ્યા હતા અને જાણે એકબીજાને ઓળખતા હોય એવી આત્મિયતા આ અજાણ્યા પ્રવાસીઓમાં જોવા મળી હતી.
મહારાષ્ટ્રના કોલ્હાપુરથી અયોધ્યા જઈ રહેલી અને અયોધ્યાથી ગુજરાતના સુરત ખાતે જઈ રહેલી બે અપ-ડાઉન ટ્રેન ખંડવા જંક્શન પર એક સાથે પહોંચી હતી. થોડીક જ મિનિટ માટે એક જ સ્ટેશન પર રોકાયેલી આ બે ટ્રેનના પ્રવાસીઓ રામના રંગે રંગાતા પોતાની જાતને રોકી શક્યા નહોતા અને સ્ટેશન પર ઉતરીને રામધૂન અને ભજન કરતાં કરતાં નૃત્ય કરવા લાગ્યા હતા.
સ્ટેશન પર હાજર અન્ય પ્રવાસીઓ પણ પોતાની જાતને આ સિનારિયો મોબાઈલમાં કેદ કરતાં રોકી શક્યા નહોતા. પ્રવાસીઓનો આ ઉત્સાહ અને ઉમંગ જોઈને સ્ટેશન પર હાજર જીઆરપીના જવાનો પણ પોતાની જાતને હસતાં રોકી શક્યા નહોતા. તેમણે પણ બંને ટ્રેનોના પ્રવાસીઓને નાચતાં ગાતા અટકાવ્યા નહોતા પણ વ્યવસ્થા ના ખોરવાય એટલે વ્હીસલ વગાડીને ધીરે ધીરે બંને ટ્રેનોના પ્રવાસીઓને પોત-પોતાની ટ્રેનોમાં બેસવા માટે અનુરોધ કર્યો હતો.