RPFએ મહિલા મુસાફરની ફરિયાદ પર માત્ર 12 મિનિટમાં કાર્યવાહી કરી, રેલવે પ્રધાનનો દાવો
નવી દિલ્હી: ભારતીય રેલ્વેમાં મુસાફરોની ફરિયાદનો તાત્કાલિક નિકાલ થાય એ માટે પ્રયત્નો કરી રહી છે. એક દાખલો આપતા રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું કે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)એ એક મહિલા મુસાફરની ફરિયાદ પર માત્ર 12 મિનિટમાં કાર્યવાહી કરી હતી. ત્રણ દારૂડિયાએ ટ્રેનમાં હોબાળો મચાવ્યો હોવાની ફરિયાદ એક મહિલા મુસાફરે કરી હતી, જેના પર તુરંત કાર્યવાહી થઇ હતી. અગાઉ, આરપીએફએ એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે લગભગ 45 મિનિટમાં ફરિયાદ પર કાર્યવાહી કરવામાં આવશે. મહિલાએ એવો આરોપ લગાવ્યો હતો કે કાર્યવાહીમાં 1 કલાકનો સમય લાગ્યો હતો.
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “આરપીએફએ મુસાફર તરફથી ફરિયાદ મળ્યાની 12 મિનિટની અંદર કાર્યવાહી કરી હતી. ગાયત્રી બિશ્નોઈ નામની મહિલા મુસાફરે 20 નવેમ્બરે સવારે 2.14 વાગ્યે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં તેણે આરોપ લગાવ્યો હતો કે તે જયપુરથી શ્રીગંગાનગરની એરકન્ડિશન્ડ સેકન્ડ ક્લાસ કમ્પાર્ટમેન્ટમાં મુસાફરી કરી રહી હતી. જેમાં ત્રણ વ્યક્તિઓએ દારૂ પીધો હતો અને એકબીજાને અને મુસાફરોને અપશબ્દો બોલીને હોબાળો મચાવ્યો હતો.”
ફરિયાદી મહિલા ગાયત્રી આમ આદમી પાર્ટી (AAP)ની રાજસ્થાન એકમની મહિલા પાંખની પ્રમુખ છે. તેણે આરોપ લગાવ્યો કે ઝાલાવાડ -શ્રી ગંગાનગર એક્સપ્રેસમાં આરપીએફનો કોઈ જવાન તૈનાત નહોતો. તેણે વીડિયોમાં એવો પણ આરોપ લગાવ્યો છે કે ટિકિટ ઈન્સ્પેક્ટર (TT)ની મદદથી તેણે આ મામલે RPFને ફરિયાદ કરી, જેના લગભગ એક કલાક પછી RPFના જવાનો આરોપીને પકડવા આવ્યા.
મહિલા મુસાફરના આરોપોના જવાબમાં આરપીએફએ કહ્યું કે તેમને રાત્રે 12.17 વાગ્યે ફરિયાદ મળી હતી, જેના પર 1.02 વાગ્યે કાર્યવાહી કરવામાં આવી હતી. આરપીએફએ કબૂલ્યું હતું કે ટ્રેનમાં કોઈ જવાન તૈનાત ન હતો, કારણ કે ચૂંટણીને હોવાથી જવાનોને નિયમિત ફરજ પરથી હટાવીને ચૂંટણી ફરજ માટે તૈનાત કરવામાં આવ્યા હતા.
આરપીએફએ આરોપી મહિલા પર ગુનેગારો સામે કાર્યવાહી કર્યા બાદ વિડિયો અપલોડ કરવાનો આરોપ લગાવ્યો હતો, જેના પર મહિલાએ કહ્યું હતું કે તેણે આ વીડિયો માત્ર આરપીએફ દ્વારા કેટલા મોડેથી કાર્યવાહી કરવામાં આવી તે અંગે જાગૃતિ ફેલાવવા માટે અપલોડ કર્યો હતો.
આ ઘટનાને બે અઠવાડિયા વીતી ગયા પછી, અશ્વિની વૈષ્ણવે પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કહ્યું કે માત્ર 12 મિનિટમાં જ આ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી.