નવી દિલ્હીઃ રેલવેમાં દિવસે દિવસે અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે, જેમાં તાજેતરમાં નવી દિલ્હીથી બિહારના દરભંગા જઈ રહેલી ક્લોન એક્સપ્રેસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગવાના બનાવમાં એક કોચ બળીને ખાખ થઈ ગયો હતો.
ઉત્તર મધ્ય રેલવેના અધિકારીએ કહ્યું હતું કે જ્યારે દરભંગા ક્લોન એક્સપ્રેસ (02570) ઉત્તર પ્રદેશના સરાય ભુપત રેલવે સ્ટેશનથી પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેનના કોચમાં ધુમાડો જોવા મળ્યો હતો. આ ધુમાડો જોતા સ્ટેશન માસ્ટરે ટ્રેનને રોકાવવાનો પ્રયાસ કર્યો હતો, તેનાથી મોટી જાનહાનિ ટળી ગઈ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
ટ્રેનને રોકવામાં આવ્યા પછી પ્રવાસીઓને ટ્રેનમાંથી સુરક્ષિત ઉતારી દેવામાં આવ્યા હતા, ત્યારબાદ આગવાળા ત્રણ કોચને અલગ કરવામાં આવ્યા હતા. છઠ્ઠ પૂજાને કારણે બિહારની ટ્રેનોમાં ભયંકર ભીડ હોય છે, જેમાં આજે આ ટ્રેનમાં આગ લાગ્યા પછી ટ્રેનમાં દોડાદોડી થઈ ગઈ હતી, જ્યારે અમુક લોકોને ઈજા પણ પહોંચવાના સમાચાર છે, એમ એક પ્રવાસીએ જણાવ્યું હતું.
નવી દિલ્હીથી દરભંગા જતી ક્લોન એક્સપ્રેસમાં આગ લાગ્યા પછી અમુક કોચને નુકસાન પહોંચ્યું હતું. બે કોચમાં આગને કારણે નુકસાન થયું હતું. આ બનાવ દિલ્હીથી હાવડા રેલવે સ્ટેશનની વચ્ચે ભૂપત રેલવે સ્ટેશને બન્યો હતો, જેમાં આગ લાગ્યા પછી ટ્રેનને રોકી દેવાને કારણે મોટી હોનારતમાંથી બચી ગયા હોવાનું અધિકારીએ દાવો કર્યો હતો.