ટ્રાઈ દ્વારા ફ્રોડ કોલ પર લવાશે નિયંત્રણ, હવે બેંક, મ્યુચલ ફંડ સહિતની કંપનીઓના ફોન 1600 નંબર પરથી આવશે

નવી દિલ્હી : દેશમાં બેંકિંગ કંપનીઓ, મ્યુચલ ફંડ અને એસેટ મેનેજમેન્ટ કંપનીના બિન જરૂરી કોલને ગ્રાહક ઓળખી શકશે. જેની માટે ટ્રાઈ દ્વારા નવો નિયમ અમલમાં લાવવામાં આવી રહ્યો છે.
જે અંતર્ગત આ તમામ કંપનીઓએ 15 ફેબ્રુઆરી 2026 સુધી 1600 નંબર ફરજિયાત રીતે સ્વીકારવો પડશે. જયારે આ ઉપરાંત ક્વોલિફાઈડ બ્રોકર્સ દ્વારા 15 માર્ચ સુધી આ સીરીઝને અપનાવવી પડશે. જેનો હેતુ સામાન્ય લોકો પર નાણાકીય સંસ્થાને નામે કરવામાં આવતા ફ્રોડ કોલ પર નિયંત્રણ લાવવાનો છે.
આપણ વાચો: કોલાબાના સિનિયર સિટિઝન સાથે 11.16 કરોડનો શૅર ટ્રેડિંગ ફ્રોડ: યુવકની ધરપકડ…
વાસ્તવિક અને ફ્રોડ કોલની ઓળખ કરી શકાશે
ટ્રાઈએ જણાવ્યું હતું કે, આ નવી સીરીઝ લાગુ થવાથી દરેક વ્યક્તિ સરળતાથી વાસ્તવિક અને ફ્રોડ કોલની ઓળખ કરી શકશે. તેમજ છેતરપિંડીના કોલમાં નોંધપાત્ર ઘટાડો થશે અને લોકોની નાણાકીય સુરક્ષા મજબૂત થશે.ટ્રાઈએ જાહેરાત કરી હતી કે આરબીઆઈ, સેબી અને PFRDA હેઠળની તમામ નાણાકીય સંસ્થાઓએ નિર્ધારિત સમયમર્યાદામાં આ નંબર શ્રેણી અપનાવવી પડશે.
1600 શ્રેણીને ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા BFSI ક્ષેત્રને ફાળવવામાં આવી છે જેથી ગ્રાહકો સુધી વાસ્તવિક અને વિશ્વસનીય કોલ્સ પહોંચે અને છેતરપિંડીભર્યા કોલ અને છેતરપિંડીના બનાવોમાં નોંધપાત્ર ઘટાડો થાય.
બેંકોએ 1 જાન્યુઆરી, 2026થી 1600 નંબરની શ્રેણી અપનાવવી પડશે
આ ઉપરાંત તમામ કોર્મશિયલ બેંકો કે જાહેર, ખાનગી હોય કે વિદેશી તેમણે 1 જાન્યુઆરી, 2026 સુધીમાં 1600 નંબરની શ્રેણી અપનાવવી પડશે. જયારે રૂપિયા 5,000 કરોડથી વધુની સંપત્તિ મૂલ્ય ધરાવતી મોટી નોન બેંકિંગ ફાયનાન્સ કંપનીઓ, પેમેન્ટ બેંકો અને નાની ફાઇનાન્સ બેંકોએ 1 ફેબ્રુઆરી, 2026 સુધીમાં જોડાવું પડશે.
જ્યારે અન્ય નોન બેંકિંગ ફાયનાન્સ કંપનીઓ, સહકારી બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને નાની સંસ્થાઓએ 1 માર્ચ, 2026 સુધીમાં નંબર અપનાવવો પડશે. સેન્ટ્રલ રેકોર્ડ-કીપિંગ એજન્સીઓ અને પેન્શન ફંડ મેનેજરોએ 15 ફેબ્રુઆરી, 2026 સુધીમાં જોડાવું પડશે. વીમા ક્ષેત્ર માટે 1600 નંબરિંગ અપનાવવાની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ અંગે ઈરડા સાથે ચર્ચા ચાલી રહી છે.



