શિમલામાં માર્ગ અકસ્માત, 6 મજૂરોના મોત, 6 ઘાયલ
શિમલાઃ હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લામાંથી ભયાનક રોડ અકસ્માત થયો હોવાના સમાચાર જાણવા મળ્યા છે. આ અકસ્માતમાં છ મજૂરના મોત થયા છે અને અન્ય છ ઘાયલ થયા છે. આ અકસ્માત કેવી રીતે થયો એની કોઇ જાણકારી હજી સુધી મળી નથી, પરંતુ પોલોસ હાલમાં આ મામલે તપાસ કરી રહી છે.
અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને નજીકની સુન્ની હૉસ્પિટલમાં સારવારમાટે દાખ કરવામાં આવ્યા હતા, એમ સ્થાનિક પોલીસે જણાવ્યું હતું. શિમલાના એએસપી નવદીપ સિંહે આ માર્ગ અકસ્માતની ઘટનાની પુષ્ટિ કરી છે. આ દુર્ઘટના હિમાચલના શિમલાથી 50 કિલોમીટર દૂર મંડીની બોર્ડર પર સુન્નીના કાદરઘાટમાં થઈ હતી.
મળતી માહિતી મુજબ અહીં એક પીક અપ વાનને અકસ્માત નડ્યો હતો અને તે ખાઇમાં ખાબકી હતી. પીકઅપમાં ડ્રાઈવર સહિત 12 લોકો કાદરઘાટના બજાર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન કાદરઘાટથી થોડે દૂર પીકઅપ વાન ઊંડી ખાઈમાં પડી હતી. આ પીક અપ વાનમાં મજૂરો હતા અને તેઓ કામધંધાના સ્થળે જઇ રહ્યા હતા, તે સમયે આ અકસ્માત થયો હતો. આ મજૂરો સિરમૌર અને કાશ્મીરના હોવાનું કહેવાય છે.
સ્થાનિક લોકોએ આ અકસ્માત અંગે પોલીસને જાણ કરી હતી અને ગ્રામજનોની મદદથી પોલીસ તમામ ઘાયલોને સુન્ની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ અન્ય ઘાયલોને આઈજીએમસી શિમલામાં રીફર કરવામાં આવ્યા છે. પોલીસે મૃતદેહોને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવશે.