બ્રેકઅપથી ગુસ્સે થયેલા બોયફ્રેન્ડે નિર્જન સ્થળે ગર્લફ્રેન્ડને બોલાવી કરી હત્યા

બેંગલૂરુઃ કર્ણાટકના હાસન જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો આવ્યો છે. અહીં એન્જિનિયરિંગની 21 વર્ષીય વિદ્યાર્થિનીની લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. એમ જાણવા મળ્યું છે કે વિદ્યાર્થિનીના પ્રેમીએ તેની હત્યા કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે બ્રેકઅપના કારણે પ્રેમીએ આ પગલું ભર્યું હતું. પોલીસે પ્રેમીની ધરપકડ કરી લીધી છે. કેસની વિગત મુજબ 21 વર્ષની સુચિત્રા એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી હતી. કોલેજમાં તેની મુલાકાત સાથે ભણતા તેજસ (23 વર્ષ) સાથે થઈ. ધીરે ધીરે તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી અને તેઓ એકબીજા સાથે મેરેજ કરવાના સપના જોવા લાગ્યા હતા, પરંતુ થોડા સમયબાદ તેમના સંબંધોમાં ખટાશ આવવા માંડી હતી.
બંને જણ નાની નાની વાતે ઝઘડો કરવા માંડ્યા હતા. રોજા ઝઘડાથી તંગ આવીને સુચિત્રાએ આ સંબંધ તોડી નાખવાનું જ બહેતર સમજ્યું હતું અને બંને અલગ પડી ગયા હતા. જોકે, આ બ્રેક-અપ પછી તેજસ ખૂબ જ વ્યથિત રહેવા લાગ્યો હતો. તેને ક્યાંય ચેન નહોતું પડતું. સુચિત્રાએ તેને શું કામ દગો આપ્યો એવો વિચાર જ તેના મગજમાં ઘોળાયા કરતો હતો. તેને સુચિત્રા પ્રત્યે રોષ હતો. આવી મનોસ્થિતિમાં એક દિવસ તેજસ સંબંધની ચર્ચા કરવાના બહાને સુચિત્રાને કુંતીબેટા પાસે લઈ ગયો. અહીં તેણે સુચિત્રાનું ગળું કાપીને તેની હત્યા કરી નાખી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુચિત્રાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.