ટ્રેક્ટર પરનાં જીએસટીમાં થનારો ઘટાડો ખેડૂતોને પસાર કરવા ઉત્પાદકોને શિવરાજસિંહ ચૌહાણનો અનુરોઘ

નવી દિલ્હીઃ આગામી 22મી સપ્ટેમ્બરથી ટ્રેક્ટર અને કૃષિ ઈક્વિપમેન્ટ પરનાં જીએસટીનાં દરમાં ઘટાડો થશે જેનો લાભ ખેડૂતોને પસાર કરવા માટે કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે ઉત્પાદકોને અનુરોધ કર્યો છે. સરકારનાં આ પગલાં થકી વિવિધ પ્રકારનાં ટ્રેક્ટરના ભાવમાં રૂ. 23,000થી 63,000 સુધીનો ભાવઘટાડો થનાર છે.
અત્રે કૃષિ ઈક્વિપમેન્ટ ઉત્પાદકોનાં પ્રતિનિધિ મંડળ સાથેની બેઠક દરમિયાન તેમણે જણાવ્યું હતું કે જીએસટીના દરમાં ઘટાડાથી દેશભરનાં તમામ કસ્ટમ હાયરિંગ સેન્ટરોમાં કૃષિ મશીનરીઓ સસ્તી થશે અને તેને કારણે મશીનરીઓનાં ભાડામાં પણ ઘટાડો થશે. નોંધનીય બાબત એ છે કસ્ટમ હાયરિંગ સેન્ટરોનો મુખ્ય અથવા તો પ્રાથમિક ઉદ્દેશ નાના અને મધ્યમ ખેડૂતોને રાહતના દરથી કૃષિ ઈક્વિપમેન્ટ અને મશીનરી ઉપલબ્ધ થાય તે છે. આમ જીએસટીમાં ઘટાડો થતાં ખેડૂતોને સીધો લાભ થશે. સરકારનો મુખ્ય હેતુ માત્ર ઉત્પાદન વૃદ્ધિ થકી જ નહીં, પરંતુ ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરીને ખેડૂતોની આવકમાં વધારો કરવાનો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
ટ્રેક્ટર પરનાં જીએસટીમાં થનારો ઘટાડો
વધુમાં તેમણે જીએસટીના દરમાં ઘટાડો થતાં 35 એચપી ટ્રેક્ટરના ભાવમાં રૂ. 41,000નો, 50 એચપી ટ્રેક્ટરના ભાવમાં રૂ. 53,000નો અને 75 એચપી ટ્રેક્ટરના ભાવમાં રૂ. 63,000નો ઘટાડો થવાની તથા બાગાયતી ખેતી માટે વપરાતા કોમ્પેક્ટ ટ્રેક્ટરના ભાવમાં રૂ. 23,000નો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી હતી.
અત્રે નોંધનીય બાબત એ છે કે ટ્રેક્ટર જેવી કૃષિ મશીનરીનો ઉપયોગ ઉત્પાદનમાં વધારો કરવા માટે થતો હોય છે તેમ જ તેને કારણે ઉત્પાદન ખર્ચમાં પણ ઘટાડો થતો હોવાથી અમે તમામ ઉત્પાદકો તથા ડીલરોને આગામી 22મી સપ્ટેમ્બરથી જીએસટીના ઘટાડાનો લાભ ખેડૂતોને પસાર કરવા ભારપૂર્વક અનુરોધ કર્યો છે જેથી ખેડૂતોને વધુ લાભ થાય. આ સિવાય કસ્ટમ હાયરિંગ સેન્ટરોને કૃષિ મશીનરી નીચા ભાવથી ઉપલબ્ધ થશે આથી તેના ભાડા પણ ઘટવા જોઈએ, અમે આ દિશામાં પણ કાર્ય કરી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આ પણ વાંચો: સંસદમાં વિપક્ષનું વર્તન એ ગૃહનું જ નહિ દેશનું, બંધારણનું અપમાન : શિવરાજસિંહ ચૌહાણ
સરકાર નાનાં ખેતરો માટેનાં ઈક્વિપમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જેથી નાના ખેડૂતો કૃષિ મશીનરીઓનો ઉપયોગ વધારીને ઉત્પાદન પણ વધારી શકે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. આ બેઠકમાં ટ્રેક્ટર ઍન્ડ મેકેનાઈઝેશન એસોસિયેશન, એગ્રિકલ્ચરલ મશીનરી મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન, ઑલ ઈન્ડિયા કમ્બાઈન હાર્વેસ્ટર મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન, પાવર ટીલર એસોસિયેશન ઑફ ઈન્ડિયા તથા અન્ય સંગઠનોનાં પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.