ગુજરાતની ફાર્મા કંપનીના સિરપમાં ઝેરી રસાયણો મળી આવ્યા પણ….
બંને દવાઓ હજુ પણ ઓનલાઈન ફાર્મસી પર ઉપલબ્ધ
નવી દિલ્હીઃ ગુજરાતની એક ફાર્માસ્યુટિકલ કંપનીના કફ સિરપ અને એન્ટિ-એલર્જી સિરપમાં ઝેરી કેમિકલ તત્વો મળી આવ્યા છે. સરકારી રિપોર્ટમાં આ વાત સામે આવી છે. ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનના કમિશનર એચ.જી.કોસિયાએ જણાવ્યું હતું કે ગયા મહિને કંપનીની ફેક્ટરીની તપાસ દરમિયાન દવાઓ ઝેરી મળી આવી હતી. કંપની સારી મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસના પાલન ધોરણોમાં પણ ખરાબ રીતે નિષ્ફળ ગઈ છે. કંપનીમાં પાણીની પૂરતી વ્યવસ્થા નહોતી. એર-હેન્ડલિંગ યુનિટ પણ સારી રીતે કામ કરતું ન હતું. જાહેર આરોગ્યના વ્યાપક હિતમાં અમે યુનિટને ઉત્પાદન બંધ કરવાનો આદેશ આપ્યો છે. જોકે, ફાર્મા કંપનીએ આ મામલે કોઈ ટિપ્પણી કરી નથી.
CDSCO લેબોરેટરીમાં કરાયેલા પરીક્ષણ મુજબ, ટ્રાઇમેક્સ કફનાશકમાં 0.118 ટકા EG જ્યારે એલર્જીની દવા સિલ્પ્રો પ્લસ સિરપમાં 0.171 ટકા ઇથિલિન ગ્લાયકોલ (EG) અને 0.243 ટકા ડાયથિલિન ગ્લાયકોલ (DEG) જોવા મળ્યું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) કહે છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત ધોરણો પર આધારિત સલામત મર્યાદા 0.10 ટકાથી વધુ નથી.
આ ઉપરાંત સીડીએસસીઓએ તમિલનાડુની કંપની ફોર્ટેસ (ઈન્ડિયા) લેબોરેટરીઝ દ્વારા ઉત્પાદિત કોલ્ડ આઉટ સીરપના ત્રણ બેચ પણ ડીઈજી અને ઈજીથી દૂષિત મળી આવ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું હતું કે ઈરાકમાં વેચાયેલા કોલ્ડ આઉટના બેચમાં ડીઈજી અને ઈજીના અસ્વીકાર્ય સ્તરો છે. જોકે ફોર્ટેસ કંપનીએ આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. સરકાર સમર્થિત ફાર્માસ્યુટિકલ્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (ફાર્મેક્સિલ)ના ચેરમેન એસવી વીરામણીએ જણાવ્યું હતું કે કોલ્ડ આઉટમાંથી રીટેન્શન સેમ્પલના વિશ્લેષણમાં કોઈ ઝેરી પદાર્થ મળ્યો નથી.
નવાઇની વાત તો એછે કે આ બંને દવાઓ હાલમાં ઓનલાઈન ફાર્મસી પર વેચાઇ રહી છે