હિમાચલમાં ભેખડો ધસી પડવાથી એકનું મોત ફસાયેલા પર્યટકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા | મુંબઈ સમાચાર
નેશનલ

હિમાચલમાં ભેખડો ધસી પડવાથી એકનું મોત ફસાયેલા પર્યટકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

સિમલા: હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાના પગલે સ્પિતિ ખીણ વિસ્તારમાં રસ્તાઓ બંધ કરવામાં આવ્યા બાદ 81 કરતા પણ વધુ ફસાયેલા પર્યટકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાનું પોલીસે સોમવારે કહ્યું હતું. હિમાચલ પ્રદેશમાં ભેખડો ધસી પડવાની બનેલી ઘટનામાં એક જણનું મોત થયું હોવાનું પણ પોલીસે કહ્યું હતું.
ક્નિનુરના નેગુલસારી ખાતે નેશનલ હાઈવે નંબર પાંચ પર સિમલા-ક્નિનુર રોડ પર કાટમાળ ખસેડી રહેલા એસ્કેવેટર ઑપરેટરનું ભેખડો ધસી પડવાની દુર્ઘટનામાં મોત થયું હતું.
મૃતકને મદન (27) તરીકે ઓળખી કાઢવામાં આવ્યો હતો અને તે કુલ્લુનો રહેવાસી હતો. ડિફેન્સ જિઓઈન્ફૉમેર્ટિક્સ રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ (ડીજીઆરઈ) ચંડીગઢે હિમાચલ પ્રદેશના પાંચ જિલ્લા (ચમ્બા, લાહૌલ, સ્પિતિ, કુલ્લુ અને સિમલા)માં ભેખડો ધસી પડવાની સોમવારે ચેતવણી આપી હતી.
છેલ્લાં ત્રણ દિવસથી સતત વરસી રહેલા વરસાદ અને હિમવર્ષાને કારણે રાજ્યમાં બનેલી ભેખડો ધસી પડવાની અનેક ઘટનાઓને ધ્યાનમાં રાખીને સોમવારે ચાર નેશનલ હાઈવે સહિત 650 કરતા પણ વધુ રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યા હોવાનું સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટરે જણાવ્યું હતું.
લાહૌલના સ્પિતિ જિલ્લામાં ખીણપ્રદેશમાં ફસાયેલા 81 પર્યટકોને રવિવારે રાત્રે જુદી જુદી હૉટેલ તેમ જ રહેઠાણોમાં ખસેડવામાં આવ્યા હતા, એમ પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
આ આદિવાસી જિલ્લામાં 290 રસ્તા બંધ કરી દેવામાં આવ્યા હતા. વીજપુરવઠો ખોરવાઈ જવાને કારણે છેલ્લાં બે દિવસથી અનેક વિસ્તારો અંધારામાં ગરક થઈ ગયા છે.
ભારે વરસાદ અને હિમવર્ષાને કારણે લાહૌલ અને સ્પિતિમાં ઈન્ટરનેટ સેવા પણ ખોરવાઈ ગઈ હતી. સિમલામાં 166, ક્નિનુરમાં 75, ચમ્બામાં 58, મંડીમાં 32, સિરમૌરમાં 17 અને કાંગ્રા તેમ જ સોલાન પ્રત્યેકમાં એક રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.
કુલ 1,655 ટ્રાન્સફોર્મર બંધ પડી ગયા હતા, એમ તેમણે કહ્યું હતું. (એજન્સી)

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button