
આવતી કાલે છે નવરાત્રિનો છઠ્ઠો દિવસ જે દેવી કાત્યાયનીને સમર્પિત છે. 20 ઓક્ટોબરે એટલેકે નોરતાના છઠ્ઠા દિવસે માં દુર્ગાના સિદ્ધ સ્વરૂપ માં કાત્યાયનીની પૂજા કરવામાં આવશે. શાસ્ત્રોમાં માતા કાત્યાયનીને ભગવાાન બ્રહ્માના માનસ પુત્રી તરીકે ઓળખવામાં આવ્યા છે. નવરાત્રીના છઠ્ઠા દિવસે માં કાત્યાયનીનું પૂજન અર્ચન કરવામાં આવે છે. ઋષી કાત્યાયનની તપસ્યાથી પ્રસન્ન થઈને દેવીએ તેમના ઘરે પુત્રી તરીકે અવતરવાનું વરદાન આપ્યું હતું. માંનું આ સ્વરુપ અમોઘ ફળદાયક ગણાય છે. એટલે કે આ સ્વરુપની પૂજા-અર્ચનાથી એવું ફળ મળે છે જેનો ક્યારેય નાશ નથી થતો.
બિહાર, ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં તેમને છઠ મૈયાના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. માતા કાત્યાયનીનુ સ્વરૂપ સૌથી વધુ સુંદર છે અને માન્યતા છે કે આ દિવસે વિધિપૂર્વક કરવામાં આવેલી પૂજાનો વિશેષ લાભ ભક્તોને પ્રાપ્ત થાય છે. આ સાથે તેમને ભવિષ્યમાં આવતી પરેશાનીઓ પર પણ વિજય પ્રાપ્ત થાય છે. મા કાત્યાયનીની ભક્તિ કરવાથી મનુષ્યને ખુબ જ સરળતાથી અર્થ, કામ, ધર્મ અને મોક્ષ ચારો ફળોની પ્રાપ્તિ થાય છે. તેમને આ લોકમાં પણ અલૌકિક તેજ અને પ્રભાવ મળે છે. માતાને જે સાચા મને યાદ કરે છે તેમના રોગ, ભય, સંતાપ, શોક વગેરે દૂર થઈ જાય છે. જન્મ જન્માંતરનાં પાપોને નષ્ટ કરવા માટે માના શરણે થઈને તેમની પુજા કરવી જોઈએ.
નવરાત્રીના છઠ્ઠા દિવસે સૌથી પહેલા સ્નાન-ધ્યાન કર્યા બાદ કળશ પૂજા કરો અને ત્યારબાદ માતા કાત્યાયનીની પૂજા કરો. પૂજા પ્રારંભ કરતા પહેલા માંનુ સ્મરણ કરો અને હાથમાં ફૂલ લઇને સંકલ્પ કરો. ત્યારબાદ તે ફૂલ માંને અર્પણ કરો. પછી કુમકુમ, અક્ષત, ફૂલ વગેરે અને સોળ શ્રૃંગાર માતાને અર્પણ કરો. ત્યારબાદ તેમનો પ્રિય પ્રસાદ મધને અર્પણ કરો અને મિઠાઈ વગેરેનો પ્રસાદ ધરાવો પછી જળ અર્પણ કરો અને ઘીનો દીવો પ્રગટાવીને માતાની આરતી કરો. આરતી પહેલા દુર્ગા ચાલીસા અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાનુ ના ભૂલશો. એમ કહેવાય છે કે આ દિવસે માતાને ગોળની ખીર અને મીઠાઈ ધરવી જોઈએ. આમ કરવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે.