
નવી દિલ્હી : દેશભરમાં ચોમાસાની(Monsoon 2024) શરૂઆત થઇ છે ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે દિલ્હીમાં મંગળવારે તીવ્ર પવન સાથે અચાનક વરસાદ થયો હતો, જે મંગળવારની સરખામણીમાં આજે ઓછા વરસાદની અપેક્ષા છે.
ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને કોસ્ટલ કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી
ભારતીય હવામાન વિભાગ(IMD)એ જણાવ્યું કે દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે આગામી 5 દિવસ દરમિયાન ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને કોસ્ટલ કર્ણાટકમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા અને સિક્કિમમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર મધ્ય ભારત, બિહાર અને ઉત્તર પ્રદેશના મોટાભાગના સ્થળોએ પણ આગામી 5 દિવસ દરમિયાન વરસાદ પડી શકે છે. આ સિવાય IMD એ પૂર્વોત્તર રાજ્યો આસામ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા અને સિક્કિમમાં ઘણી જગ્યાએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
કયા રાજ્યોમાં પડશે વરસાદ?
10-11 જુલાઈ, 2024 દરમિયાન પેટા-હિમાલયન પશ્ચિમ બંગાળમાં છૂટાછવાયા સ્થળોએ ભારે થી અતિભારે વરસાદ ની સંભાવના છે. IMDએ કહ્યું કે 12 જુલાઈએ પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 11 જુલાઈએ હિમાલય તરફ આગળ વધતા ચોમાસાની ટ્રફ લાઇનને કારણે ભારે વરસાદમાં થોડો ઘટાડો થવાની સંભાવના છે.
મોટાભાગના વિસ્તારોમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે.
આ સમયગાળા દરમિયાન રાજસ્થાનના ભરતપુર વિભાગમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ અને બાકીના ભાગોમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. તેવી જ રીતે, 12-13 જુલાઈ દરમિયાન, માત્ર છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની શક્યતા છે અને મોટાભાગના વિસ્તારોમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે.