
અમદાવાદ/નવી દિલ્હીઃ રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે. હવામાન વિભાગ મુજબ રાજયમાં હજુ પણ થોડા દિવસ કડકડતી ઠંડીનો અનુભવ થશે. ગુજરાતમાં લઘુતમ તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો થયો હતો. જોકે, કેટલા વિસ્તારોમાં પારો ઘટ્યો હતો. અમરેલીમાં ઠંડીનો પારો ગગડીને નલિયા જેટલો પહોંચ્યો હતો. નલિયા અને અમરેલીમાં 9 ડિગ્રી લઘત્તમ તાપમાન નોંધાયું હતું. જે રાજ્યનું સૌથી નીચું તાપમાન રહ્યું હતું.
અમદાવાદ-ગાંધીનગરમાં કેટલું તાપમાન નોંધાયું
આ ઉપરાંત અમદાવાદમાં 13 ડિગ્રી, ગાંધીનગરમાં 12 ડિગ્રી, રાજકોટમાં 10.1 ડિગ્રી, કંડલામાં 10.7 ડિગ્રી, કેશોદમાં 11.8 ડિગ્રી, ભુજમાં 11.8 ડિગ્રી, ડીસામાં 12.3 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 13 ડિગ્રી, મહુવામાં 13.9 ડિગ્રી, વડોદરામાં 14.6 ડિગ્રી, ભાવનગરમાં 14.7 ડિગ્રી, મુન્દ્રામાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં 13મી જાન્યુઆરી સુધી હવામાન શુષ્ક રહેવાની આગાહી છે. ગુજરાતમાં આગામી ત્રણ દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો બદલાવ નહીં થાય. જે બાદ ધીરે ધીરે તાપમાન બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. ગુજરાતમાં હાલ 12થી 15 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આગામી 9થી 15 જાન્યુઆરી સુધીમાં પવનની ગતિ વધીને 16 થી 20 કિલોમીટર પ્રતિકલાકની રહેવાની હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે. જ્યારે અમુક સમયે ઝટકાના પવન હોય, ત્યારે 22થી 25 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
મહારાષ્ટ્રમાં કેવું રહેશે હવામાન
ઉત્તર તરફથી આવતા ઠંડા પવનોના કારણે મહારાષ્ટ્રમાં લઘુત્તમ તાપમાનમાં નોંધનીય ઘટાડો થયો છે. આ ઠંડીની અસર ઉત્તર અને મધ્ય મહારાષ્ટ્રની સાથે વિદર્ભ અને મરાઠાવાડામાં પણ અનુભવાઈ રહી છે. મહારાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ સુધી ઠંડીનું મોજું રહેશે.
દેશમાં કેવું રહેશે હવામાન
હવામાન વિભાગ મુજબ, આગામી કેટલાક દિવસો સુધી ઠંડીનું મોજું ચાલુ રહેશે. બુલેટિનમાં IMD એ જણાવ્યું હતું કે આગામી 5-7 દિવસ સુધી ઉત્તરપશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં સવારે ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે રાજસ્થાનના કેટલાક ભાગોમાં તીવ્ર ઠંડી નોંધાઈ હતી. ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડમાં ભારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. પૂર્વ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડમાં ઠંડીનું મોજું ચાલુ રહેશે.
દિલ્હીમાં સતત બીજો કોલ્ડ ડે નોંધાયો હતો. દિવસનું મહત્તમ તાપમાન 16.7 ડિગ્રી નોંધાયું હતું. જે સામાન્ય સરેરાસથી 2 ડિગ્રી ઓછું છે. આજે પણ ગાઢ ધુમ્મસ છે અને યલો એલર્ટ જાહેર કરાયું છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન ક્રમશઃ 16 ડિગ્રી અને 8 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેશે.
જમ્મુ-કાશ્મીરમાં સ્નોફોલના કારણે પ્રવાસીઓ ખુશ થઈ ગયા છે. હિમાચલ પ્રદેશમાં ધુમ્મસની સાથે શીતલહેર વધી રહી છે. છ જિલ્લામાં તાપમાન માઈનસમાં પહોંચી ગયું છે. ઠંડીના કારણે સડકો પર પાણી જામી જતાં સ્લીપ થવાની ઘટના પણ સામે આવી હતી. ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ઠંડીની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. ઉત્તરકાશી, ચમોલી, પિથૌરાગઢ અને બાગેશ્વરમાં લઘુત્તમ તાપમાન માઈનસ બે ડિગ્રી આસપાર રહ્યું હતું. ઠંડા પવનો અને ધુમ્મસના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.



