આજે વર્લ્ડ ગર્લ્સ ડેઃ …પણ શું મુસ્કાનની મુસ્કાન પાછી આવશે?
11મી ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય ગર્લ ચાઈલ્ડ ડેની ઉજવણી કરવામાં આવે છે. એક તરફ આકાશ તરફ મીટ માંડતી, ઘર પરિવાર, સમાજ દેશને ગૌરવ અપાવતી દેશની દિકરીઓ ને બીજી બાજુ હવસખોરોના હવસનો શિકાર બનતી, શિક્ષણ-આરોગ્ય જેવી પાયાની સુવિધાઓથી વંચિત, માઈલો દૂર પાણી ભરવા જતી, લકડા વીણવા જતી પોતાના માનવીય હક માટે લડતી કે ખૂણામાં બેસી રડતી દેશની દિકરીઓ. આજનો દિવસ ચોક્કસ ઉજવણીનો છે, પણ હકીકતોથી મોઢું ફેરવી પણ શકાય તેમ નથી. આજે પણ લાખો છોકરીઓ પછાતપણા સાથે જીવી રહી છે. જેનાં ઘણા કારણોમાનું એક છે ગરીબી કે સંસાધનોનો અભાવ. સરકાર દ્વારા પણ છોકરીઓના ઉત્થાન માટે સમયાંતરે અનેક યોજનાઓ બહાર આવે છે, પરંતુ તેમ છતાં ઘણાને મદદ મળતી નથી. આથી પ્રતીભા હોવા છતાં પરિસ્થિતિ સાથ ન આપે તો પણ ઘણી છોકરીઓના સપના તૂટી જાય છે. આજે આવી જ એક છોકરીની વાત કરવાની છે. આ છોકરી ખાસ એટલે છે કે જો તેને પોતાના ક્ષેત્રમાં આગળ વધવા મળ્યું હોત તો આજે શક્ય છે કે તે પણ દેશ માટે ગોલ્ડ મેડલ લાવી હોત.
વાત કરવાની છે ઝારખંડના ગોડ્ડાના 20 વર્ષના મુસ્કાનની મુસ્કાનની. એક સ્થાનિક મીડિયાએ આ વાતને લોકો સામે મૂકી છે. ગોડ્ડાના શિવપુરની રહેવાસી મુસ્કાન એક સમયે ટેનિસ બોલ અને ક્રિકેટમાં જિલ્લા સ્તરે ચેમ્પિયન હતી. તેણીએ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ઘણી રમતોમાં ભાગ લીધો છે. મુસ્કાને આ ગેમ્સમાં ઘણા મેડલ, પુરસ્કારો અને ટાઇટલ પણ જીત્યા હતા. પરંતુ, પરિસ્થિતિ એવી તો વણસી કે મુસ્કાનની મંઝીલ તેનાથી ઘણી દૂર જતી ગઈ. મુસ્કાનના પરિવારની હાલત ઘણી દયનીય છે. 2012માં તેના પિતાના અવસાન પછી, મુસ્કાનની માતા એક નાની કરિયાણાની દુકાનમાંથી પરિવારનું ભરણપોષણ કરી રહી છે. મુસ્કાન પણ હવે એ જ દુકાનમાં કામ કરી માને મદદ કરે છે. આ એ જ મુસ્કાન છે જેને ઘણાએ ચોક્કા ને છગ્ગા લગાવતી જોઈ છે.
એક મીડિયા રિપોર્ટ્સમાં મુસ્કાને કહ્યું કે તેને ટેનિસ અને ક્રિકેટને છોડ્યાને લગભગ 7 વર્ષ થઈ ગયા છે. તેણે તેની છેલ્લી મેચ 2016માં દેવઘરમાં રમી હતી. જ્યારે પણ તે કોઇપણ સ્પર્ધા જીતતી ત્યારે જિલ્લાભરમાંથી તેનાં પર અભિનંદનની વર્ષા થતી હતી. તેણે વિચાર્યું કે તે આ રમત દ્વારા તેનું ભવિષ્ય ઘડી શકશે. પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તે આ રમતમાં આગળ વધી શકી ન હતી અને ન તો તેને સરકાર અને વહીવટીતંત્ર તરફથી કોઈ મદદ મળી ન હોવાનું પણ તેણે કહ્યું હતું.
મુસ્કાનના પરિવારમાં ચાર સભ્યો છે. માતા અને બે ભાઈ, મોટો ભાઈ રીક્ષા ચલાવે છે અને નાનો ભાઈ ટ્યૂશન કરી પોતાનો ખર્ચ કાઢી લે છે જ્યારે મુસ્કાન માને મદદ કરે છે અને કૉલેજમાં ભણે છે. મુસ્કાનને હજુ પણ આશા છે કે જો તેને ક્યાંકથી મદદ મળે તો તે પાછી ચોક્કા ને છક્કા લગાવે અને પોતાના મનપસંદ ક્ષેત્રમાં આગળ વધે. આપણે આશા રાખીએ કે તેની આશા ફળે અને તેના ચહેરાની મુસ્કાન પાછી આવે.