સ્કીમને સ્કૅમમાં ફેરવવામાં ટીએમસીની માસ્ટરી: મોદી
પ. બંગાળ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ર્ચિમ બંગાળસ્થિત મમતા બેનરજીની સરકારને દમનકારી, વંશવાદનું રાજકારણ કરનારી અને અત્યાચારી લેખાવી હતી અને દાવો કર્યો હતો કે ટીએમસીએ સ્કીમને સ્કૅમમાં પરિવર્તિત કરવામાં માસ્ટરી મેળવી લીધી છે. નાદિયા જિલ્ લામાં કિસનનગર ખાતે એક સભાને સંબોધન કરતા મોદીએ પ. બંગાળમાં લોકસભાની ૪૨ બેઠક પર વિજય મેળવવાની ભાજપની મહત્ત્વાકાંક્ષા હોવાનું જણાવી વિકાસને મામલે દેશ અને પ. બંગાળ વચ્ચે સહકાર હોવો જરૂરી હોવા પર ભાર મૂક્યો હતો.
રાજ્યના પ્રત્યેક મતદારક્ષેત્રમાં ભાજપના ચૂંટણીચિહ્ન કમળનો ખૂબ જ ઝડપથી પ્રચાર કરવા પક્ષના ટેકેદારોને તેમણે જણાવ્યું હતું. સંદેશખાલીમાં ટીએમસીના નેતાઓ દ્વારા મહિલાઓ પર કરવામાં આવેલા કથિત જાતિય અત્યાચારની ઘટનાનો ઉલ્લેખ કરતા મોદીએ ટીએમસી પર અસરગ્રસ્ત મહિલાઓને બદલે આરોપીઓનો પક્ષ લેવાનો આક્ષેપ કર્યો હતો.
વર્તમાન રાજ્ય સરકાર જે રીતે કામ કરી રહી છે તેનાથી રાજ્યના લોકો નારાજ છે. મોટી અપેક્ષાઓ સાથે રાજ્યના લોકોએ અગાઉ પણ અનેકવાર ટીએમસીને મોટી બહુમતી અપાવી હતી, પરંતુ ટીએમસી દમન, વંશવાદના રાજકારણ અને અત્યાચારનું પ્રતીક બની ગઈ હોવાનું મોદીએ કહ્યું હતું.
મોદીએ દાવો કર્યો હતો કે રાજ્યમાં ભ્રષ્ટાચારીઓની વગ કેન્દ્રીય યોજનાઓના અમલમાં અવરોધરૂપ બની રહી છે. આવનારા વરસોમાં ભાજપ દેશ અને પ. બંગાળમાં નોકરી,
રોજગાર અને રોકાણની અનેક તક ઊભી કરશે, એમ તેમણે કહ્યું હતું.
ટીએમસીએ સ્કીમને સ્કૅમમાં પરિવર્તિત કરવામાં માસ્ટરી મેળવી લઈ દેશભરમાં પ. બંગાળની છબી ખરડી છે. ગરીબો અને વંચિત વર્ગના લોકો પાસેથી છીનવી લેતાં પણ તેઓ અચકાતા નથી, એમ મોદીએ કહ્યું હતું. (એજન્સી)