નેશનલ

શું G20 પાછળ મોદી સરકારે આટલો ખર્ચ કર્યો ?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી ભારતને જી-20 સમિટનું યજમાનપદ મળ્યું અને બે દિવસીય આ સમિટનુ આયોજન કરી મોદી સરકારે દુનિયાભરની વાહવાહી મેળવી. આ સાથે ભારતનો પણ દુનિયામાં દબદબો વધ્યો, પરંતુ આ પાછળ સરકારે માત્ર બે દિવસમાં કરેલા ખર્ચનો આંકડો ચોંકાવી દેનારો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ આંકડો જર્મનીએ કરેલા ખર્ચ કરતા સાત ગણો હોવાનો દાવો થઈ રહ્યો છે.

સરકારી રેકોર્ડ અનુસાર 9-10 સપ્ટેમ્બરે યોજાયેલી આ સમિટ માટે સરકારે 4100 કરોડ રૂપિયાથી વધુ નો ખર્ચો કરી નાખ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એવા આક્ષેપો થઈ રહ્યા છે કે ભારતે આ G20 સમિટના આયોજન પાછળ જર્મની દ્વારા G20 સમિટ કાર્યક્રમ પાછળ ખર્ચવામાં આવેલી રકમ કરતાં પણ 7 ગણી વધુ રકમ ખર્ચ કર હોવાનું કહેવાઈ રહ્યું છે.


પશ્ચિમ બંગાળના રાજ્યસભાના સભ્ય અને તૃણમૂલ કોંગ્રેસના નેતા સાકેત ગોખલેએ G20 સમિટ પર કરાયેલા ખર્ચ અંગે સવાલો ઊઠાવ્યા હતા. ગોખલેએ એક ટ્વિટ કરતાં G20 માટે જર્મનીની વેબસાઈટની તસવીર શેર કરી હતી. તેમાં 2017માં જર્મની દ્વારા ખર્ચવામાં આવેલી રકમનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ વેબસાઇટ અનુસાર તમને જણાશે કે તે સમયે જર્મનીએ G20 સમિટના આયોજન પાછળ 641.3 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો હતો. આ રકમ ભારતની મોદી સરકાર દ્વારા ખર્ચવામાં આવેલી રકમ કરતાં લગભગ સાત ગણી ઓછી છે. જોકે સરકારે અત્યાર સુધી G20 સમિટ પાછળ કેટલો ખર્ચ કરાયો તે અંગે કોઈ વિગતવાર સત્તાવાર માહિતી જાહેર કરી નથી.


રેકોર્ડ્સ અનુસાર આ ખર્ચને સામાન્ય રીતે 12 કેટેગરીમાં વહેંચાયા હતા. 2023-24ના બજેટમાં G20 સંમેલનના નેતૃત્વ માટે 990 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ હતી. જોકે એ પ્રમાણે પણ જોવામાં આવે તો જે ખર્ચ જણાવાયો છે તે લગભગ ચાર ગણો વધુ છે. સરકારે આ આયોજન માટે દિલ્હીના સૌંદર્યકરણ પાછળ ભારે ભરખમ રકમ ખર્ચી નાખી હતી. આ મામલે આમ આદમી પાર્ટીની દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે ચકમક પણ થઈ હતી.
અન્ય દેશોની વાત કરીએ તો 2022માં ઈન્ડોનેશિયાના બાલીમાં G-20 સમિટ યોજાઈ હતી. આ સમિટનું બજેટ આશરે 674 બિલિયન ઇન્ડોનેશિયન રૂપિયા એટલે કે 364 કરોડથી વધુ હતું.


2019ની G20 સમિટ જાપાનમાં યોજાઈ હતી. ટ્વિટર પર ‘ધ વર્લ્ડ રેન્કિંગ’ દ્વારા ટ્વિટ કરવામાં આવેલા ડેટા અનુસાર, જાપાનના ઓસાકામાં આયોજિત આ સમિટમાં 320 મિલિયન ડૉલર અથવા 2,660 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. 2018ની G20 સમિટ આર્જેન્ટિનાના બ્યુનસ આયર્સમાં યોજાઈ હતી. અહેવાલ અનુસાર તેનું બજેટ 11.2 કરોડ ડોલર એટલે કે લગભગ 931 કરોડ રૂપિયા હતું.


2017માં G20 સમિટ જર્મનીમાં યોજાઈ હતી. જર્મનીની સત્તાવાર G20 વેબસાઇટ અનુસાર, હેમ્બર્ગમાં આયોજિત આ સમિટનો ખર્ચ 72.2 મિલિયન યુરો એટલે કે 642 કરોડ રૂ.ની આજબાજુ હતો.


વર્ષ 2016માં ચીનના હાંગઝોઉમાં G20 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. અહેવાલ અનુસાર, આ સમિટમાં 24 બિલિયન ડૉલરનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ રકમ રૂ. 1.9 લાખ કરોડ જેટલી થાય છે.


ઓસ્ટ્રેલિયાએ 2014માં G20 કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. ઓસ્ટ્રેલિયાએ બ્રિસ્બેનમાં આ સમિટની યજમાનીમાં 400 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર ખર્ચ્યા હતા. ઉપરાંત, સુરક્ષા માટે 100 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર ખર્ચવામાં આવ્યા હતા. આ રીતે કુલ ખર્ચ રૂ. 2,653 કરોડથી વધુ થયો હતો.


G20 કોન્ફરન્સ 2013માં રશિયામાં યોજાઈ હતી. રશિયા દ્વારા આયોજિત 2013 G20 સેન્ટ પીટર્સબર્ગ સમિટનો ખર્ચ અંદાજે 2 બિલિયન RUB હતો, જે રૂ. 170 કરોડથી વધુ થાય છે. ફ્રાન્સે 2011માં G20 સમિટનું આયોજન કર્યું હતું. આ ઈવેન્ટનો ખર્ચ 8 કરોડ યુરો (લગભગ 712 કરોડ રૂપિયા) થી વધુ હતો.


કેનેડાએ 2010માં G20 સમિટની યજમાની સંભાળી હતી. આ સમિટમાં 715 મિલિયન CAD એટલે કે લગભગ રૂ. 4351 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું મીડિયા રિપોર્ટ્સ જણાવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button