
રાજધાની નવી દિલ્હીનું જંતરમંતર મેદાન પર આવતીકાલે મહાત્મા ગાંધીના જન્મદિવસ નિમિત્તે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીની પાર્ટી TMCના નેતાઓના ધાડેધાડા ઉમટવાના છે. આ માટે કેટલાક નેતાઓ તો અત્યારથી જ દિલ્હી પહોંચી પણ ગયા છે. આ નેતાઓનું કહેવું છે કે કેન્દ્ર સરકારે મનરેગા અને પીએમ આવાસ યોજના હેઠળ કામ કરતા પશ્ચિમ બંગાળના શ્રમિકોના બાકી નાણાં હજુ સુધી ચૂકવ્યા નથી. તેના વિરોધમાં TMCએ દિલ્હીમાં મોરચો માંડ્યો છે.
જંતર મંતરમાં વિરોધ પ્રદર્શનના કાર્યક્રમ માટે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોને લઈ જતી લગભગ 25 જેટલી બસો કોલકાતાથી નીકળી હતી. નેતાઓએ કહ્યું કે આ કાર્યક્રમમાં હાજરી આપવા 4,000 થી વધુ લોકો રાજધાનીમાં પહોંચી રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના મહાસચિવ અભિષેક બેનર્જીએ શનિવારે આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર વિવિધ ટ્રેન ટ્રેનો રદ કરીને અને ‘એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સીબીઆઇને તૈનાત કરીને પશ્ચિમ બંગાળમાં તોડફોડ કરવાનો પ્રયાસ કરી રહી છે. દિલ્હીમાં ગરીબ લોકો માટેના આંદોલનને ‘કચડી નાખવાનો’ પ્રયાસ કરી રહી છે. ઉપરાંત TMC સાંસદ મહુઆ મોઇત્રાએ પણ X પરની પોસ્ટમાં તેમની કોલકાતાથી દિલ્હીની ફ્લાઇટ કેન્સલ થઇ હોવાનો મેસેજ શેર કરી જણાવ્યું હતું કે દિલ્હી આપણા સૌનું છે, અને અમે બધા ચોક્કસ ત્યાં વિરોધ પ્રદર્શન કરીશું.
કેન્દ્રીય એજન્સીઓના સમન્સ તેમની પાર્ટીના રાજકીય કાર્યક્રમોને રોકી શકે નહિ તેમ ઉમેરતા અભિષેક બેનર્જીએ જણાવ્યું હતું કે પાર્ટીએ કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા અને ગરીબો માટે આવાસ યોજના માટે પશ્ચિમ બંગાળને મળનારું ફંડ રોકવાની ઘટના સામે વિરોધ કરવાનો નિર્ણય લીધો છે. અમારી સરકારનો દાવો છે કે મનરેગા યોજના અંતર્ગત 20 લાખથી વધુ શ્રમિકો માટેનું 7000 કરોડ રૂપિયા જેટલું ફંડ કેન્દ્ર એ પશ્ચિમ બંગાળ સરકારને આપવાનું બાકી છે. ભાજપ બંગાળના લોકોને પાઠ ભણાવવા ઇચ્છે છે કારણકે બંગાળના લોકોએ 2021ની વિધાનસભા ચૂંટણી અને તે પછીની ચૂંટણીમાં ટીએમસીના પક્ષમાં મતદાન કર્યું હતું, પરંતુ 2024ની ચૂંટણીઓમાં એક મોટો અને ભયાનક ઝટકો તેમની રાહ જોઇ રહ્યો છે, તેમ સાસંદ અભિષેક બેનર્જીએ જણાવ્યું હતું.