કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં સંદેશખાલી હિંસાના મુખ્ય આરોપી TMC નેતા શાહજહાં શેખની ધરપકડ કરવામાં આવી છે. કોલકાતા હાઈકોર્ટના આદેશ પર બંગાળ પોલીસે તેની ધરપકડ કરી છે. પોલીસે ગઈકાલે રાત્રે સરબેરિયા વિસ્તારમાંથી શાહજહાંને ઝડપી લીધો હતો. જે બાદ તેને સવારે લગભગ પાંચ વાગે બસીરહાટના પોલીસ લોકઅપમાં લાવવામાં આવ્યો હતો. શાહજહાં શેખ ED ટીમ પર હુમલા બાદ 55 દિવસથી ફરાર હતો. પોલીસ તેના ઘણા સહયોગીઓની ધરપકડ કરી ચૂકી છે. સૂત્રોનું માનીએ તો બંગાળ પોલીસ આજે જ તેને કોર્ટમાં રજૂ કરશે.
શાહજહાંની ધરપકડની પુષ્ટિ કરતા મીનાખાન એસડીપીઓ અમીનુલ ઈસ્લામ ખાને કહ્યું હતું કે બંગાળ પોલીસે ટીએમસી નેતા શેખ શાહજહાંની ઉત્તર 24 પરગણાના મીનાખાન વિસ્તારમાંથી ધરપકડ કરી છે. તેને આજે જ બસીરહાટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. શાહજહાં શેખ ટીએમસીના શક્તિશાળી અને પ્રભાવશાળી નેતા તરીકે ઓળખાય છે. તે સંદેશખાલી એકમના ટીએમસી પ્રમુખ પણ રહી ચૂક્યો છે.
5 જાન્યુઆરીએ જ્યારે EDની ટીમ બંગાળ રાશન વિતરણ કૌભાંડ કેસમાં શાહજહાંની પૂછપરછ કરવા આવી હતી ત્યારે તેના સાગરિતોએ ED ટીમ પર હુમલો કર્યો હતો. ત્યારે શાહજહાં શેખ પહેલીવાર ચર્ચામાં આવ્યો હતો. ત્યારથી ED સતત શાહજહાં શેખને પૂછપરછ માટે સમન્સ જારી કરી રહી હતી, પરંતુ ED ટીમ પર હુમલા બાદ શાહજહાં શેખ ફરાર હતો અને પ. બંગાળની પોલીસ તેને પકડી શકી નહોતી.
સંદેશખાલીની મહિલાઓએ શાહજહાં શેખ પર જમીન હડપ કરવાનો અને તેના સાગરિતો પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. ડાબેરી અને ભાજપ પક્ષોએ આ મામલે મમતા સરકાર સામે જોરદાર વિરોધ કર્યો હતો. સંદેશખાલીમાં કલમ 144 લગાવીને વિપક્ષના નેતાઓને ત્યાં જતા અટકાવવામાં આવ્યા હતા. જોકે ભાજપના નેતાઓએ આ મુદ્દો બંગાળથી લઈને દિલ્હી સુધી ઉઠાવ્યો હતો અને મમતા સરકાર પર સંદેશખાલીના તમામ આરોપીઓની ધરપકડ કરવા દબાણ કર્યું હતું. જો કે બંગાળ પોલીસે તેના સાગરિતોની ધરપકડ કરી હતી, પરંતુ પોલીસ શાહજહાં શેખ પર હાથ મૂકતા ડરતી હતી. કોલકાતા હાઈકોર્ટે શાહજહાંની ધરપકડનો આદેશ આપતાં પોલીસે કાર્યવાહી કરીને મોડી રાત્રે તેની ધરપકડ કરી હતી. કોલકાતા હાઇ કોર્ટની કડક ઝાટકણી બાદ શાહજહાં શેખ પોલીસના હાથમાં ઝડપાઇ જતા તેની ધરપકડ પણ સવાલોના ઘેરામાં આવી છે.
આ ધરપકડ પર પ્રતિક્રિયા આપતા TMCના રાજ્યસભા સાંસદ સાકેત ગોખલેએ જણાવ્યું હતું કે કોર્ટના આદેશના 72 કલાકની અંદર શાહજહાં શેખની ધરપકડ કરવામાં આવી છે. અમારા જનરલ સેક્રેટરી અભિષેક બેનર્રજીના જણાવ્યા મુજબ કલકત્તા હાઈકોર્ટે શાહજહાંની ધરપકડ પર રોક લગાવી દીધી હતી.
અમે એવું પણ વચન આપ્યું હતું કે જો હાઈકોર્ટ પોલીસને આદેશ આપે તો શેખ શાહજહાંને થોડા દિવસોમાં ધરપકડ કરવામાં આવશે. 26 ફેબ્રુઆરીએ કોર્ટે શાહજહાં શેખની ધરપકડની મંજૂરી આપી અને 72 કલાકની અંદર બંગાળ પોલીસે શાહજહાંની ધરપકડ કરી હતી. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે દેશભરમાં વિરોધ હોવા છતાં, મોદી સરકારે બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ કરી ન હતી.
EDએ દાવો કર્યો છે કે પશ્ચિમ બંગાળના રાશન વિતરણ કૌભાંડમાં લગભગ 10 હજાર કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. આ કેસમાં EDએ પહેલા બંગાળના પૂર્વ મંત્રી જ્યોતિપ્રિયા મલિકની ધરપકડ કરી હતી. બાદમાં ટીએમસીના નેતા શાહજહાં શેખ અને બાણગાંવ નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ શંકર આદ્યાની સંડોવણી પણ સામે આવી હતી.આ સંબંધમાં 5 જાન્યુઆરીએ જ્યારે EDની ટીમ શાહજહાં શેખના ઘરે દરોડા પાડવા પહોંચી ત્યારે તેના સાગરિતોએ ED પર હુમલો કર્યો હતો.
Taboola Feed