schemeને scamમાં ફેરવવામાં માહેર છે TMC સરકાર,’ PM મોદીનો બંગાળની સત્તાધારી પાર્ટી પર પ્રહાર
કોલકાતાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ત્રણ રાજ્યોના પ્રવાસના બીજા દિવસની શરૂઆત પશ્ચિમ બંગાળના કૃષ્ણનગરથી કરી હતી. તેમણે અહીં 15,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. અને માતુઆ બેલ્ટને સંબોધિત કરી રહ્યા છે. આ દરમિયાન હજારો લોકો તેમને જોવા માટે પહોંચ્યા હતા. પીએમ મોદીએ રોડ શો પણ કર્યો અને મેદાનમાં હાજર તમામ લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું.
વિશાળ જનમેદનીને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે TMC માટે બંગાળનો વિકાસ નહીં, પણ ભ્રષ્ટાચાર, પરિવારવાદ પ્રાથમિકતા છે. ટીએમસીનો મતલબ નિરાશા, વંશવાદ અને ભ્રષ્ટાચાર છે. પીએમ મોદીએ સંદેશખાલી મામલે પણ મમતા બેનરજીની સરકાર પર પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે અહીં અપરાધીઓ નક્કી કરે છે કે પોલીસના હાથમાં ક્યારે પકડાવું. સંદેશખાલીની મહિલા શક્તિ દુર્ગા બનીને ઉભી થઇ ગઇ, તેથી આરોપીઓની ધરપકડ થઈ શકી છે.
પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે મેં લોકોને લૂંટની મંજૂરી આપતો નથી. તેથી હું તેમનો દુશ્મન બની ગયો છું, પરંતુ હું લોકોની મહેનતથી કમાયેલા પૈસાને લૂંટવા દઇશ નહીં. હું તેનું વચન અને ખાતરી આપું છું.”
સીએમ મમતા પર પ્રહારો કરતા મોદીએ જણાવ્યું હતું કે ટીએમસી બંગાળના લોકોને ગરીબ જ બનાવી રાખવા માગે છે, જેથઈ તેમની રાજનીતિ લાંબા સમય સુધી ચાલી શકે. ટીએમસીએ મનરેગાના પૈસા પણ લઇ લીધા છે. ટીએમસીએ એવા લોકોના નકલી કાર્ડ બનાવ્યા છે, જેમનો જન્મ પણ થયો નથી.
મમતા સરકાર પર પ્રહારો કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ટીએમસીએ બંગાળની છબી ખરાબ કરી છે. તેઓ દરેક schemeને scamમાં ફેરવે છે. અનારી યોજનાઓ પર સ્ટીકર લગાવીને એ યોજના તેમની હોવાનો દાવો કરે છે. ગરીબોનું છીનવી લેતા પણ તેઓ અચકાતા નથી. પીએમ મોદીએ બંગાળના લોકોને આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને મત આપવા અપીલ કરી હતી અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બંગાળની તમામ 42 બેઠકો પર કમળ ખીલશે.