
નવી દિલ્હી: INDIA ગઠબંધન હેઠળ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે સીટ શેરીંગ ફોર્મ્યુલા નક્કી થયા બાદ, હવે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ વચ્ચે સીટ વહેંચણીની ફોર્મ્યુલા લગભગ ફાઈનલ થઈ ગઈ છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મમતા બેનર્જી પશ્ચિમ બંગાળમાં 42માંથી 5 સીટો કોંગ્રેસને આપવા તૈયાર છે. જો કે કોંગ્રેસ હજુ વધુ એક બેઠક વધારવાની માંગ કરી રહી છે, કોંગ્રેસ કુલ 6 બેઠકો ઈચ્છે છે.
પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસે માલદાની 2 બેઠકો ઉપરાંત મુર્શિદાબાદ, રાયગંજ, દાર્જિલિંગથી તેમજ પુરુલિયા બેઠકની માંગણી કરી છે. આ પહેલા મમતા બેનર્જીએ કોંગ્રેસને માત્ર 2 સીટો આપવાનો પ્રસ્તાવ મુક્યો હતો.
કોંગ્રેસ હાઈકમાન્ડ મમતા બેનર્જી સાથે સીટ વહેંચણીને અંગે વાત કરી રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં સીટોના બદલામાં મમતા બેનર્જી આસામમાં 2 સીટો અને મેઘાલયમાં 1 સીટની માંગ કરી રહ્યા છે. સુત્રોનું કહેવું છે કે બેઠકો પર સર્વસંમતિ સાધતા જ જાહેરાત કરવામાં આવશે.
મમતા બેનર્જીએ આ મહિનાની શરૂઆતમાં માલદામાં એક બેઠકમાં કહ્યું હતું કે, “મેં કોંગ્રેસને કહ્યું હતું કે, ‘તમારી અહીં એક પણ વિધાનસભ્ય નથી, હું બે બેઠકો ઓફર કરી રહી છું અને અમે તે બંને બેઠકો પર તમારી જીત સુનિશ્ચિત કરીશું.’ પરંતુ તેમણે ઓફરનો ઇનકાર કર્યો અને કહ્યું કે ‘અમને વધુ સીટ જોઈએ છે’. પણ હવે હું એક પણ સીટ નહીં આપું”.
મમતા બેનર્જીએ કહ્યું હતું કે તેઓ INDIA ગઠબંધનની સદસ્યતા છોડી રહ્યા છે અને ચૂંટણી પછી પરિણામોના આધારે નિર્ણય લેશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં એવી બેઠકોની માંગ કરી રહી છે જે હાલમાં ભાજપ પાસે છે.