નેશનલ

ઇડીએ TMC નેતા અભિષેક બેનર્જીને ફરી પાઠવ્યા સમન્સ….

કોલકાતા: મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના ભત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીની મુશ્કેલીઓ વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ફરી એકવાર તેમને સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા છે. ગુરુવારે એટલે કે આવતીકાલે નવ નવેમ્બરના રોજ તેમની પૂછપરછ કરવામાં આવશે.

જો કે ઈડીએ તેમને કયા કેસમાં સમન્સ પાઠવ્યા છે તેના વિશે કોઇ માહિતી મળી નથી. જો કે થોડા સમય પહેલા જ ઇડીએ શાળા ભરતી કૌભાંડમાં તેમની પૂછપરછ કરી હતી જેના માટે 3 ઓક્ટોબરે પણ તેમને સમન્સ જારી કરીને બોલાવવામાં આવ્યા હતા.


ટીએમસી નેતાને શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં ત્રણ ઓક્ટોબરે ઇડી સમક્ષ હાજર થવા માટે સમન્સ જારી કરવામાં આવ્યું હતું. જો કે સરકારી યોજનાઓની સામે દિલ્હીમાં પાર્ટીના વિરોધને કારણે અભિષેક ઇડી સમક્ષ હાજર થયા ન હતા. ત્યારબાદ કેન્દ્રીય એજન્સીએ બુધવારે તેને ફરીથી સમન્સ જારી કર્યું હતું.


નોંધનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે ઇડીએ અભિષેક બેનર્જીને પૂછપરછ માટે બોલાવ્યા હોય. કોલસા કૌભાંડ અને પ્રાણીઓની દાણચોરીના મામલામાં પણ ઇડી તેમને અગાઉ ઘણી વખત સમન્સ પાઠવી ચૂક્યું છે. પ્રાથમિક શાળાની નોકરી કૌભાંડમાં નાણાંની લેવડ-દેવડની તપાસ સંદર્ભે તેમને અગાઉ પણ નોટિસ મોકલવામાં આવી છે.


અભિષેક બેનર્જી ઘણી વખત ઈડી સમક્ષ પણ હાજર થયા નહોતા. ઇડીએ અભિષેક બેનર્જીની પત્ની રૂજીરાની પણ પૂછપરછ કરી છે. જો કે તે સમયે આ તપાસ કોલસા કૌભાંડ અંગેની હતી જેમાં વિદેશી બેંકોના કેટલાક ખાતાઓની માહિતી માંગવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button