નેશનલવીક એન્ડસ્પેશિયલ ફિચર્સ

આહ ટાઈટેનિક… ઓહ ટાઈટેનિક! ભવ્ય ભૂતકાળને આખરી અલવિદા

તાજેતરમાં રૉબો દ્વારા ઝડપેલી ‘ટાઈટેનિક’ના અવશેષોની દુર્લભ તસવીર…

ભાત ભાત કે લોગજ્વલંત નાયક

‘આરએમએસ ટાઈટેનિક’….
આ એક એવું નામ છે જેની સાથે ઐતિહાસિક ભવ્યતાથી માંડીને ઐતિહાસિક કરુણાંત સુધીની શ્રેણીબદ્ધ યાદગીરીઓ જોડાયેલી છે. કમનસીબે, આ લખાય છે ત્યારે ટાઈટેનિક સાથે બીજી એક કરુણાંત ઘટના જોડાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.

તમને માનવ સ્વભાવની એક ખાસિયત ખબર છે? સ્વીકાર કરવામાં કદાચ મન પાછું પડે, પણ આપણા મગજની રચના કંઈક એવી છે કે કોઈક કરુણાંત ઘટના પણ થોડાં વર્ષો પછી આપણને થ્રિલ આપવા માંડે છે! કદાચ એટલે જ આંદામાનની સેલ્યુલર જેલથી માંડીને એક સૈકા અગાઉ દરિયાના પેટાળે ધરબાયેલી ટાઈટેનિકને જોવા માટે માણસો હજારો-લાખો રૂપિયા ખર્ચી નાખતા અચકાતા નથી!

દરિયાને પેટાળે પડેલી ટાઈટેનિકનો કાટમાળ ઝડપથી ગાયબ થઈ રહ્યો છે. બેક્ટેરિયા તેને જે રીતે ખાઈ રહ્યા છે એને લીધે આગામી છ વર્ષમાં તે સંપૂર્ણપણે અદૃશ્ય થઈ શકે છે.

ટાઇટેનિકના કાટમાળના નવા ફોટા દર્શાવે છે કે જહાજ દરિયાના તળિયે વિખેરાઈ રહ્યું છે. કાટમાળ અંગે માહિતી એકત્ર કરી રહેલી ટીમને જાણવા મળ્યું છે કે જહાજના ટુકડા થઈ રહ્યા છે, જેમાંથી મોટા ભાગના ટુકડાઓ સમુદ્રના તળ પર વિખરાયેલા જોવા મળી રહ્યા છે. આમ થવાનું સીધું કારણ છે કોરોઝન એટલે કે કાટ લાગવાની પ્રક્રિયા. કાટ લાગવાને કારણે ૧૧૨ વર્ષ જૂના આ ‘ભવ્ય’ અવશેષો ઝડપથી સડી રહ્યા છે. વૈજ્ઞાનિકોએ ખુલાસો કર્યો છે કે આ પ્રતિષ્ઠિત જહાજનું ધાતુનું બનેલું સ્ટ્રકચર એક વિશેષ પ્રકારના બેક્ટેરિયા ખાઈ રહ્યા છે, જે કાટવાળું સ્ટેલેક્ટાઇટ્સ બનાવે છે. આ ખાઉધરા બેક્ટેરિયાને કારણે જહાજનો કાટમાળ ઝડપથી નષ્ટ થઇ રહ્યો છે.

નિષ્ણાતોએ ટાઇટેનિકને ખાઈ રહેલા આ બેક્ટેરિયાનું નામ ‘હેલોમોનાસ ટાઇટેનિકા’ રાખ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે ૨૦૩૦ સુધીમાં બેક્ટેરિયા આખું જહાજ ખાઈ જશે!

આ વર્ષે, છખજ ઝશફિંક્ષશભ ઈંક્ષભ. એ શોધ્યું કે જહાજની આગળની રેલિંગનો મોટો હિસ્સો, જે આ જહાજની ઓળખ સમો છે. (અને જેના પર ચડીને ફિલ્મ ‘ટાઈટેનિક’ના હીરો-હિરોઈને પેલો મસ્ત રોમેન્ટિક પોઝ આપેલો), એ પૈકીનો ઘણો ભાગ હવે ભૂખાળવા સૂક્ષ્મજીવોને કારણે નાના ટુકડાઓમાં પરિવર્તિત થઈને સી-બેડ પર વિખેરાયેલો જોવા મળે છે. નિષ્ણાતોના અંદાજ મુજબ માત્ર છેલ્લાં બે જ વર્ષ દરમિયાન આ રેલિંગનો લગભગ ૧૫ ફીટ જેટલો હિસ્સો ખરી પડ્યો છે. ૨૦૨૨ માં આ કાટમાળનું ડિજિટલ સ્કેનિંગ કરવામાં આવ્યું હતું. જેના દ્વારા આ માહિતીઓ મળી રહી છે.

માત્ર રેલિંગ જ નહિ પણ જહાજના આંતરિક ભાગો સુધ્ધાં ઝડપથી ક્ષીણ થઈ રહ્યા છે. ઘણા હિસ્સાઓમાં તો ડૂબકી મારીનેય દાખલ થઇ શકાય એવું નથી રહ્યું. ટાઈટેનિકના કેપ્ટન હતા એડવર્ડ સ્મિથ. ઇસ ૧૯૯૬માં કેપ્ટન એડવર્ડની કેબિનમાંથી એક તસ્વીર ખેંચવામાં આવેલી, જેમાં જહાજ પર મોજૂદ બાથ ટબ સ્પષ્ટ દેખાતું હતું. પરંતુ ૨૦૦૪માં લીધેલા એ જ બાથટબના ફોટોગ્રાફ્સ દર્શાવે છે કે બેક્ટેરિયાએ અંદરના ભાગમાં કેટલી ઝડપથી કાટ લગાવ્યો છે. હવે તો કેપ્ટનની કેબિન પણ લગભગ નાશ પામી ચૂકી છે.

ટાઇટેનિક કાટમાળ વિશે શોધખોળ કરનારી ટીમ લીડર વિક્ટર વેસ્કોવોએ જણાવ્યું હતું કે દરિયાને પેટાળે પડેલો જહાજનો કાટમાળ ૧૦૭ વર્ષથી દરિયાના ભારે પ્રવાહ સામે ઝીંક ઝીલી રહ્યો હતો. ઇસ ૧૯૮૫ માં જહાજના કાટમાળની શોધ થઈ ત્યારથી લોકલાગણી એવી રહી છે કે કોઈક રીતે ભવ્ય સ્ટીમરના ઐતિહાસિક ભંગારને દરિયામાંથી બહાર કાઢવામાં આવે. ખાસ કરીને ૧૯૯૭માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ ‘ટાઇટેનિક’માં જે રીતે ઐતિહાસિક સ્ટીમર અને એની ગાથાનું જે રીતે નિરૂપણ કર્યું એ જોઈને લોકોમાં ટાઈટેનિકને બહાર કાઢવાની માગણી પ્રબળ બનતી ગઈ. જોકે, નિષ્ણાતોના મતે જે સ્થિતિમાં કાટમાળ દરિયાને તળિયે પડ્યો છે, ત્યાંથી એને ઊંચકીને બહાર કાઢવાનું કામ અશક્યવત છે.

વૈજ્ઞાનિક કારણ એવું છે કે પાણીના ભારેખમ દબાણ હેઠળ રહેલા જહાજના સદી પુરાણા માળખા પર જરા સરખું વધારાનું પ્રેશર આવશે, તો પ્રચંડ દબાણ હેઠળ રહ્યુંસહ્યું માળખું પણ ભાંગીને ભૂક્કો થઇ જશે. તેમ છતાં, ટાઈટેનિકના માળખા ઉપર અધિકાર ધરાવતી ‘આરએમએસ ટાઈટેનિક’ નામક કંપની ૧૯૯૮માં જહાજના ૨૦ ટન જેટલા ટુકડાઓને પાણીની બહાર ઊંચકી લાવવામાં સફળ રહેલી. અત્યાર સુધીમાં કાટમાળમાંથી ૫,૫૦૦ વસ્તુઓ મેળવામાં આવી છે. આમાં ઘરેણાં, રમકડાં, વાસણો અને વહાણનાં સાધનોનો સમાવેશ થાય છે, પરંતુ ‘હેલોમોનાસ ટાઇટેનિકાબેક્ટેરિયા’ એ બાકીના માળખાને એ હદે ખોખલું કરી નાખ્યું છે, કે હવે કશું થઇ શકે એમ નથી!

એક સમયે જેની ખ્યાતિ ‘કદી ન ડૂબે એવી સ્ટીમર’ તરીકેની હતી એવી ટાઈટેનિક ૨૦૩૦ આવતા સુધીમાં હંમેશ માટે ભૂતકાળની ગર્તાઓમાં ધકેલાઈ જશે.

ઓહ ટાઈટેનિક… આહ ટાઈટેનિક… બોન વોયેજ …હંમેશને માટે આ-વ- જે !

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button