વારંવાર કેમ થાય છે મંદિરોમાં નાસભાગની ઘટનાઓઃ કોણ જવાબદાર ?
છેલ્લા બે દશકમાં દેશભરના મંદિરો અને ધાર્મિક સ્થળો પર નાસભાગની અનેક ઘટનાઓ બની છે. આ ઘટનામાં મોટી સંખ્યામાં લોકોના મોત થતા હોય છે અને ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થતાં હોય છે. તેમ છતાં લોકો લાખોની સંખ્યામાં ધાર્મિક સ્થળોએ જાય છે, ત્યારે આ દુર્ઘટનાઓ પાછળના કારણો શું તે એક સવાલ છે. સ્થાનિક વહીવટી તંત્ર, મંદિરના સંચાલકો અને શ્રદ્ધાળુઓનું અશિસ્ત આની માટે જવાબદાર ગણી શકાય, પરંતુ આવા કેસમાં જોઈએ તેવા ગંભીર પગલાઓ લેવામાં આવતા નથી અને જવાબદારી નિશ્ચિત થતી નથી અને ફરી ફરીને ઘટનાઓ બન્યા કરે છે. બુધવારે ફરી આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગ થઈ અને છ લોકોએ જીવ ખોયા અને 40 ઈજાગ્રસ્ત થયા.
તિરુપતિ મંદિરમાં વૈકુંઠ દ્વાર દર્શન માટેના ટિકિટ સેન્ટર પાસે નાસભાગમાં છ લોકોના મોત થયા હતા અને 40 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. દર્શન માટે ટોકન વહેંચવામાં આવ્યા હતા ત્યારે નાસભાગ મચી હતી. બૈકુંઠ દ્વાર સર્વદર્શનમ એ 10 દિવસ સુધી ચાલતું વિશેષ દર્શન છે જે શુક્રવારથી શરૂ થવા જઈ રહ્યું છે. તિરુપતિ મંદિરમાં થયેલી આ દુર્ઘટના દેશમાં એકમાત્ર આવી ઘટના નથી. છેલ્લા બે દશકમાં આવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. જાણીએ કે ધાર્મિક પ્રસંગે મંદિરોમાં નાસભાગની આવી ઘટનાઓ પહેલા ક્યારે બની હતી અને તે સમયે કેટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો અને કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.
હાથરસમાં સત્સંગ દરમિયાન મચી નાસભાગ
ઉત્તર પ્રદેશના હાથરસમાં સૂરજ પાલ ઉર્ફ ભોલે બાબાના સત્સંગ દરમિયાન બનેલી નાસભાગમાં 121 લોકોના મોત થયા હતા, જેમાં તપાસ માટે SITની રચના પણ કરવામાં આવી હતી. આ નાસભાગ જુલાઈ 2024માં થઈ હતી. SITની તપાસમાં જણાવવામાં આવ્યું હતું કે નાસભાગ કેવી રીતે થઈ, ઘટના પાછળ કોણ જવાબદાર હતું. તપાસમાં 128 લોકોના નિવેદન લેવામાં આવ્યા હતા. આ અહેવાલ આગ્રાના ADG અનુપમા કુલશ્રેષ્ઠ અને અલીગઢ ડિવિઝનલ કમિશનર ચૈત્રા વી દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો.
અહેવાલમાં અનુસાર આ ઘટના માટે આયોજકો જવાબદાર હોવાનું જાણવા મળ્યું હતું, સાથે સ્થાનિક પ્રશાસન પણ જવાબદાર છે આયોજકોની બેદરકારીના કારણે દુર્ઘટના થઈ હતી સ્થાનિક પ્રશાસને ઘટનાને ગંભીરતાથી ન લીધી, એસડીએમ, સીઓ સહિત 6 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા હતા.
2023માં ઈન્દોરમાં રામ નવમી દરમિયાન મચી નાસભાગ
મધ્યપ્રદેશના ઈન્દોરમાં રામનવમીના અવસરે પટેલ નગર ખાતે શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરના પગથિયાંની છત ધસી પડી હતી. આ ઘટનામાં 35 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. કુલ 140 લોકોની ટીમ રેસ્ક્યુ ઓપરેશનમાં લાગેલ હતી. આ નાગભાગ ન હતી, પરંતુ અકસ્માત હતો,પરંતુ તે ટાળી શકાયો હતો. છત જૂની હતી અને તેના પર આટલા કોકો ચડ્યા હતા. આ લોકોને રોકી શકાયા હોત અને લોકોએ પણ સાવધાની રાખવાની જરૂર હતી. જે ન થયું અને 35 શ્રદ્ધાળુએ જીવ ગુમાવ્યા, જેમાં મૂળ કચ્છી પરિવારના લોકોનો પણ સમાવેશ થાય છે.
2005 માં મહારાષ્ટ્રના સતારામાં માંધારદેવીમાં મચી નાસભાગ
આ નાસભાગમાં 300 થી વધુ લોકો માર્યા ગયા હતા. દર વર્ષે જાન્યુઆરીમાં મહારાષ્ટ્રના સતારા ખાતે માંધાર દેવી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો આવે છે. વર્ષ 2005માં પણ જાન્યુઆરી મહિનામાં ભક્તો આ મંદિરમાં આવ્યા હતા. આ મંદિરમાં દેવીના દર્શન માટે એક ટેકરી પર ચઢવું પડે છે. જે માટે 120 સીડીઓ બનાવવામાં આવી છે. રીવાજ મુજબ યાત્રા શરૂ થઈ હતી અને 25 જાન્યુઆરીએ લગભગ 3 લાખ શ્રદ્ધાળુઓ યાત્રામાં ભાગ લેવા આવ્યા હતા. આ ભક્તોમાં મહિલાઓ અને બાળકો પણ હતા.આ અચાનક સર્જાયેલી નાસભાગમાં 300થી વધુ લોકોના મોત થયા હતા.
2008 માં રાજસ્થાનના ચામુંડા દેવી મંદિરમાં મચી નાસભાગ
2008 માં રાજસ્થાનના (rajasthan) ચામુંડા દેવી મંદિરમાં નાસભાગ દરમિયાન 250 લોકોના મોત થયા હતા. આ ઘટના નવરાત્રીના પહેલા દિવસે બની હતી. આ દિવસે મોટી સંખ્યામાં ભક્તો મંદિરે દર્શન માટે આવ્યા હતા. દુર્ઘટના બાદ તત્કાલિન મુખ્યમંત્રી વસુંધરા રાજે ઈજાગ્રસ્તોને જોવા માટે જોધપુર સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. તેમણે મૃતકોને 2-2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી.
2008 માં હિમાચલ પ્રદેશના નૈના દેવી મંદિરમાં મચી નાસભાગ
2008 માં હિમાચલ પ્રદેશમાં નૈના દેવી મંદિરમાં નાસભાગમાં 146 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં 150થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. વરસાદી ડેમ તૂટી પડતાં મંદિરમાં નાસભાગ થઈ હતી. નાસભાગના સમયે મંદિર પરિસરમાં 3000 થી વધુ લોકો હાજર હતા અને અંદાજે 40 બાળકો પણ હાજર હતા.
વૈષ્ણો દેવી મંદિરમાં નાસભાગમાં 12 લોકોના મોત
1 જાન્યુઆરી 2022 ના રોજ વૈષ્ણો દેવી મંદિરમાં નાસભાગમાં 12 લોકોના મોત થયા હતા. માહીતી અનુસાર ક્ષમતા કરતા વધુ ભક્તોના આગમનને કારણે મંદિર પરિસરમાં નાસભાગ મચી હતી.
નાસભાગની અન્ય ઘટનાઓમાં પણ સેકડોએ ગુમાવ્યો જીવ
જ્યારે મોટી સંખ્યામાં લોકોના મોત થયા ત્યારે તેની નોંધ લેવાતી હોય છે, પરંતુ ધાર્મિક પરિસરોમાં આવી ઘટનાઓ બનતી જ રહે છે. આંધ્રપ્રદેશના રાજમુન્દ્રી પુષ્કરમ ઉત્સવ દરમિયાન અનેક લોકો ગોદાવરી નદીમાં એકઠા થયા હતા. આ દરમિયાન ઘાટ પર નાસભાગ મચી હતી. આ નાસભાગમાં 27 લોકોના મોત થયા હતા જ્યારે 20થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
હરિદ્વારમાં નાસભાગમાં 20 લોકોના મોત થયા હતા. 2011માં હરિદ્વારમાં ( haridwar) ગાયત્રી પરિવાર યજ્ઞ દરમિયાન 50 થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આટલું જ નહી પટનાના ગાંધી મેદાનમાં નાસભાગમાં 33 લોકોના મોત થયા હતા. દુર્ઘટના 2014માં બની હતી. જેમાં 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે બિહાર સરકારે મૃતકોના પરિવારજનોને 3 લાખ રૂપિયા, ગંભીર રીતે ઈજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયા અને સામાન્ય રીતે ઈજાગ્રસ્તોને 20-20 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી.
શું કરવું જોઈએ
સૌ પ્રથમ તો જે તે શહેર, તાલુકામાં પ્રસિદ્ધ મંદિરો આવેલા છે અને જ્યાં કોઈ ખાસ પ્રસંગે લોકોની મોટી ભીડ એકઠી થવાની સંભાવના છે ત્યાં સ્થાનિક તંત્ર, પોલીસ અને સંબંધિત સરકારી એજન્સીઓ પાસેથી પરવાનગી લેવાનું ફરજિયાત બનાવવું જોઈએ. ધાર્મિક સ્થળોના સંચાલકો અને સ્થાનિક તંત્રએ સાથે મળી વ્યવસ્થાઓ ગોઠવવી જોઈએ.
રાજ્યની સરકારો એ આવા નિયમો બનાવી અમલમાં મૂકવા જોઈએ. સાથે જો આમાં કોઈ એજન્સી દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોય તો તેમની સામે પગલા લઈ દાખલો બેસાડવો જોઈએ.
આ પણ વાંચો…Video: જમ્મુ અને કાશ્મીરની મુસાફરી સુખદ બનશે; ટૂંક સમયમાં જ આ રેલ લાઈન ખુલી મુકાશે
જોકે જેટલી જવાબદારી તંત્રની છે તેટલી આવનારા શ્રદ્ધાળુઓની પણ છે. સ્વયં-શિસ્ત એ જાહેરસ્થળોએ જવા માટેની પહેલી શરત છે. ત્યાં હાજર સુરક્ષાકર્મીઓ ગમે તેટલું કહે તો પણ ઘણીવાર લોકો શિસ્તમાં રહેતા નથી. જે જગ્યાએ મોટી સંખ્યામાં લોકો ભેગા થવાનું નક્કી હોય ત્યાં મોટી ઉંમરના, નાના બાળકોવાળા માતા-પિતા કે સગર્ભા મહિલાઓએ જવાનું ટાળવું જોઈએ. આ સાથે જો તમને લાગે કે પરિસરની ક્ષમતા કરતા ભીડ વધારે થઈ ગઈ છે તો તે સમય પૂરતું તમે શિસ્ત જાળવો અને જે તે સ્થળથી દૂર રહો. ત્યાં હાજર વ્યવસ્થાપકોનું ધ્યાન દોરો અને તેમણે કરેલી વ્યવસ્થાને અનુસરો.
મંદિરોમાં ભગવાનના દર્શન કરવા જાઓ કે કોઈ ધાર્મિક કે સાંસ્કૃતિક મેળવાડામાં જાઓ તમારી સમજ અને તમારું શિસ્ત તમારી સુરક્ષા બની રહેશે તે યાદ રાખજો.