તિરુપતિ લાડુમાં ચરબી ભેળવનારાઓ સામે સીબીઆઇની કાર્યવાહી, કરી ધરપકડ
![tirupati devasthanam trust, mahashanti havan, laddoo controversy](/wp-content/uploads/2024/09/tirupati_devasthanam_trust_mahashanti_havan_laddoo_controversy.jpg.webp)
તિરુપતિ મંદિરના પ્રખ્યાત લાડુ પ્રસાદમાં ભેળસેળયુક્ત ઘીના ઉપયોગના સંબંધમાં રવિવારે સીબીઆઇએ ચાર લોકોને ધરપકડ કરી હતી. ગયા વર્ષે ઓક્ટોબરમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. SITની તપાસમાં ઘી સપ્લાયના દરેક તબક્કે અનિયમિતતાઓ બહાર આવી હતી જેના કારણે આ ધરપકડ કરવામાં આવી હતી
ધરપકડ કરાયેલા વ્યક્તિઓની ઓળખ ભોલે બાબા ડેરીના ભૂતપૂર્વ ડિરેક્ટર વિપિન જૈન, પોમિલ જૈન, વૈષ્ણવી ડેરીના અપૂર્વ ચાવડા અને એ.આર ડેરીના રાજુ રાજશેખરન તરીકે થઈ છે.
સીબીઆઇના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ આરોપીઓની તિરુપતિમાં ત્રણ દિવસ પૂછપરછ કરવામાં આવી હતી. તેમની વિરુદ્ધ પૂરતા પુરાવા હોવા છતાં તેઓએ તપાસમાં સહકાર આપ્યો ન હતો. SITની તપાસમાં ઘીના પુરવઠાની આડમાં અનેક ઉલ્લંઘનો બહાર આવ્યા હતા જેમાં ટેન્ડર જીતવા માટે નકલી દસ્તાવેજો અને સિલનો ઉપયોગ પણ સામેલ હતો.
આ પણ વાંચો : જવાબદાર કોણ! તિરુપતિ મંદિરમાં નાસભાગ મામલે 2 FIR નોંધવામાં આવી
નોંધનીય છે કે થોડા મહિના પહેલાં ફ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં એટલે કે તિરુપતિના મંદિરમાં ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવતા લાડુમાં ભેળસેળ મળી આવી હતી. લાડુમાં પ્રાણીની ચરબી ભેળવવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. આ બાબતને લઈને ઘણો વિવાદ થયો હતો. ત્યારબાદ આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ પર સીબીઆઇએ આ કેસની તપાસ શરૂ કરી હતી અને આ માટે એક સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી હતી, જેમાં કેન્દ્રીય એજન્સી, આંધ્રપ્રદેશ પોલીસ અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)ના અધિકારીઓનો સમાવેશ થાય છે.